ગાંધીનગરનાં ભાટ સાબરમતી નદીનાં પટમાં બાવળની ઝાડીઓમાં સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 207 નંગ બોટલો અડાલજ પોલીસે પૂર્વ બાતમીનાં આધારે જપ્ત કરી છારાનગરનાં બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી પાણીના અભાવે સૂકી ભઠ્ઠ રહેતાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવવા બુટલેગરો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે.
જયારે પોલીસ દ્વારા સાબરમતી નદીનાં પટ દરોડો પાડી દારૂ-વોશ ઝડપી પાડવામાં આવતો રહે છે. જોકે પોલીસની ઢીલી નીતિનાં કારણે દેશી દારૂની ગેરકાયદેસર ભઠ્ઠીઓ રાબેતા મુજબ ધમધમતી થઈ જાય છે. ત્યારે અડાલજ પોલીસે ગતરોજ ભાટ સાબરમતી નદીમાં દરોડો પાડીને વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અડાલજ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, સાબરમતી નદીનાં પટમાં આવેલ બાવળની ઝાડીમાં ભાટ ગામની સીમમાં રાકેશ ઉર્ફે બોક્સર મહેશભાઇ જાડેજા (રહે.છારાનગર, સાબરમતી) નાએ વિદેશી દારૂની બોટલો સંતાડી રાખી છે. જેનાં પગલે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએથી થોડેક દુર ખાનગી વાહન મુકી ચાલતા સાબરમતી નદીના પટમાં જતા ઉપરોક્ત ઇસમ રાકેશ ઉર્ફે બોક્સર સ્થળ ઉપર હાજર મળી આવ્યો નહોતો.
ત્યારબાદ પોલીસે નદીનાં પટમાં આજુબાજુની બાવળની ઝાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેનાં ફલશ્રુતિ 3 મોટા પ્લાસ્ટિકનાં કોથળામાં સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 207 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500