ગાંધીનગર શહેર નજીક આવેલ પ્રભુપુરા ગામે રહેતા વૃધ્ધએ જમીનમાં સાક્ષી તરીકે કરવામાં આવેલી સહિ બાબતે જમીન દલાલને પુછવા જતા ઉશ્કેરાયેલ દલાલ અને તેના પરિવારે વૃધ્ધ ઉપર હૂમલો કરી દીધો હતો જેથી તેમને સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગે ડભોડા પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેર નજીક આવેલા પ્રભુપુરાનાં ચંપલીવાસ ખાતે રહેતા 60 વર્ષિય કાંતિજી ચતુરજી સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ સાંજનાં સમયે તેઓ ભાગોળે ગયા હતા.
તે સમયે જમીન દલાલીનુ કામ કરતા ગામને અમરીશ બાબુભાઇ ખાંટ હાજર હતા અને અગાઉ અમરીશભાઇના કહેવાથી કાંતિજીએ જમીન વેચાણનો સાક્ષી તરીકે સહિ કરી હતી અને આ ખોટી સહિ કરાવી હોવાનું લાગતા અમરીશભાઇને પુછ્યું હતું જેથી તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળાગાળી કરીને મોઢાના ભાગે મુક્કો માર્યો હતો અને ગડદાપાટુંનો માર મારવા લાગતા તેમના પરિવારના અન્ય સભ્યો બાબુજી સનાજી ખાંટ, અજય બાબુજી ખાંટ, તખીબેન બાબુજી ખાંટ આવી ગયા હતા અને તેમણે પણ ગડદાપાડુંનો માર માર્યો હતો.
જોકે તખીબેને ઇંટ પણ મારી હતી ત્યારબાદ જતા જતા આ વ્યક્તિઓએ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. તો બીજીબાજુ ઘાયલ કાંતિજીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદનાં આધારે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500