ગાંધીનગર તાલુકાનાં એક ગામમાં રહેતી સગીરાને અંગત ફોટા તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેણીની મરજી વિરૃધ્ધ દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચાર વર્ષથી આ સગીરાની મજબુરીનો ફાયદો ઉઠાવતા આ હવસખોર યુવાન ઉપરાંત તેના ત્રણ સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સગીરાનાં બળાત્કાર ઉપરાંત તેણીના પિતાને માર મારવા તથા તેણીના બાઇને ધમકી આપવા સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર તાલુકાનાં ગામમાં રહેતી એક સગીરા 17 વર્ષની હતી તે વખતે તેણી જ્યારે સ્લૂકમાં જતી હતી ત્યારે તેનો સંજય રાજુ ઠાકોર નામનો યુવાન તેનો પીછો કરતો હતો અને તેણી સાથે પ્રેમ હોવાનું કહીને બિભત્સ માંગણીઓ કરતો હતો. જો તેને મળવા આવશે તો તેનો પીછો નહીં કરે અને હેરાન પણ નહીં કરે તેમ તેને કહેતા આ સગીરા વર્ષ-2019માં તેને મળવા ગઇ હતી.
તે વખતે સગીરાની એકલતાનો લાભ લઇને આ હવસખોરે તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્યારબાદ તેણીને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ થોડા સમય બાદ ફરીથી આ નરાધમે તેણી સાથે શારીરિક માંગણી કરી હતી એટલુ જ નહીં, જો તેણી તેને મળવા નહીં આવે તો તેણીના અંગત ફોટા અને વિડીયો વાયરલ કરી દેશે તેવી ધમકી પણ આપતો હતો.
જોકે આ યુવાનના ત્રાસથી સગીરાએ શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું અને ઘરે જ રહેવાનું પસંદ કરતી હતી તેમ છતા તેણી જ્યારે બહાર નીકળે ત્યારે તેણી ક્યાં જાય છે તેની માહિતી સુનિલ રાજુ ઠાકોર, સાહિત જયંતિ ઠાકોર અને પંકજ ભાખા ઠાકોર સંજય ઠાકોરને આપતા હતા અને તે સમયે તેણીને ફરી ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેણીની મજબુરીનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.
જયારે વધુમાં તેની સગાઇ જ્યાં થતી હતી તેમનો મોબાઇલ નંબર મેળવીને સંજય સગીરાનાં એડીટ કરેલા ફોટા મોકલતો હતો અને તેણીની સગાઇ તોડાવી દેતો હતો. આ બાબતે સગીરાનાં પિતાએ સંજય સાથે સમાધાન કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને માર મારવામાં આવ્યો હતો. જેથી આખરે આ નરાધમ સામે બળાત્કારની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે સાથે સાથે તેની મદદગારી કરતા ત્રણ શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ નરાધમને પકડવા માટેના કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500