ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામ ખાતે મરણ જનાર દાદાના હિસ્સાના છ લાખ રૂપિયાનો ભાગ માંગવા મામલે પૌત્ર વહુ તથા પૌત્રી, દીકરા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને બંને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, શામગહાન ગામ ખાતે રહેતા ગીતાંજલિબેન ચંદુભાઈ ઠાકરેના દાદા સાહેબરાવ ઠાકરે મૃત્યુ પામ્યા છે અને તેમના બેંક ખાતામાં છ લાખ રૂપિયા આવતા તે રૂપિયા રાજુભાઈ સાહેબરાવ ઠાકરેએ ઉપાડેલા હતાં અને છ લાખ રૂપિયાનો ભાગ માગવા બાબતે ગીતાંજલિ તથા પરિવારના સભ્યો અને રાજુભાઈ સાહેબરાવ ચૌધરી તથા અર્જુન રાજુભાઈ ચૌધરી અને અંજના અર્જુનભાઈ ચૌધરી વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તેમજ બંને પક્ષો વચ્ચે લાકડાના ડંડા વગેરે વડે મારામારી થઈ હતી અને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે સાપુતારા પોલીસ મથકે મરણ જનાર સાહેબરાવ ઠાકરેની પૌત્રી ગીતાંજલી ઠાકરેએ રાજુભાઈ સાહેબરાવ ચૌધરી, અર્જુન રાજુભાઈ ચૌધરી અને અંજના અર્જુનભાઈ ચૌધરી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પૌત્રવધૂએ ક્રિષ્ના ચંદુભાઈ ઠાકરે, ગીતાંજલિ ચંદુભાઈ ઠાકરે, ચંદુ સાહેબરાવ ચૌધરી, પીન્ટુ ઉર્ફે પ્રવીણભાઈ સાહેબરાવ ઠાકરે, નંદકિશોર ચંદ્રકાંતભાઈ ઠાકરે વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આમ, સાપુતારા પોલીસ મથકે બંને કૌટુંબિક પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસે પુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500