Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમીનના બોગસ દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની બનાવી જમીન પચાવી પાડવાનો કારસો

  • February 06, 2024 

સુરત સચિનમાં આવેલ વાંઝ ગામમાં એનઆરઆઈ પરિવારની કરોડો રૂપિયાની જમીનના બોગસ દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવાનો કારસો રચનારા 10 આરોપીઓ વિરૂદ્ધ સચીન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. સુરતના પૂણા ગામ સ્વામીનારાયણ નગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય હિંમતભાઈ મગનભાઈ હડિયા ખેડૂત છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીની સાથે જમીન મકાન બાંધકામનું કામકાજ કરે છે. તેમણે સચીન પોલીસ સ્ટેશનમાં બળવંતરાય સોમાભાઈ કોન્ટ્રાકટર ઉર્ફે ભીખુભાઈ ભંડારી, ભોગીલાલ તુલસીદાસ વણકર,હસમુખલાલ રતીલાલ માંડવીવાળા,છીતુભાઈ જીવણભાઈ, ઈશ્વરભાઈ આહિર, સંજય બાબુરાવ શિંદે, આર.એમ.પટેલ, છગન ચૌહાણ, એ.એસ.સોની અને મહેરપેસી મોરેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ઈશ્વર મગનલાલ અને તેમના ભાઈ બાબુલાલ મગનલાલની વાંઝ ખાતે રે.સ 240/1, બ્લોક નંબર 251 થી નોંધાયેલી અંદાજે પાંચ કરોડ રૂપિયાની જમીન આવેલી છે. આ એનઆરઆઈ ભાઈઓની માતા ગજરાબેનનું નિધન વર્ષ 1978માં થઈ ચૂક્યું હોવા છતાં સચીન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘ લિ.ના પ્રમુખ બળવંત કોન્ટ્રાક્ટર અને મંત્રી ભોગીલાલ વણકર સહિત મેનેજીંગ કમિટીના સભ્ય હસમુખ માંડવીવાળા સહિતના આરોપીઓ દ્વારા એક બીજાના મેળાપીપણામાં વર્ષ 1981ના રોજ મૃતક ગજરાબેનની બોગસ સહિ સિક્કા કરીને બોગસ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંજય બાબુરાવ શિંદે, આર.એમ.પટેલ, છગન ચૌહાણ અને વકીલ એ.એસ.સોની સહિત મહેરપેસી મોરેના નામક આરોપીઓ દ્વારા પણ આ જ જમીન મૂળ માલિકો રૂબરૂ હાજર નહીં હોવા છતાં તેમની ખોટી સહી કરીને બોગસ પાવર ઓફ એટર્ની બનાવવામાં આવી હતી.


આ બોગસ પાવરના આધારે આરોપીઓ પૈકી મહેર પેસી મોરેનાએ પોતાનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ ગત વર્ષે ઉભો કરીને વધુ એક વખત જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે જમીનના મૂળ માલિક ઈશ્વર મગનલાલ અને બાબુલાલ મગનલાલને જાણ થતાં તેઓએ આ જમીન પચાવી પાડવાનો કારસો રચનારા આરોપીઓ સામે ગુનો નોંધાવતા પોલીસે દલાલ સંજયભાઇ બાબુરાવ શિંદે તથા જમીન લે-વેચનું કામ કરતા મહેરપેસી મોરેનાની ધરપકડ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application