સુરતનો પરિવાર ગિરિમથક સાપુતારામાં પ્રવાસ અર્થે આવ્યા હતા ત્યારે ટેબલ પોઇન્ટ પાસે પાર્ક કરેલી કારમાંથી તસ્કર કાચ તોડી રૂપિયા 36 હજારનાં મુદ્દામાલની ચોરી કરી જતા સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતનાં દશરથ હેમદાસભાઈ પટેલ (રહે. બી/404, સ્વપ્નસૃષ્ટી કેમ્પસ નજીક, નાનીમાતા ચોક, ચોર્યાસી, સુરત) પોતાની કીયા સોનેટ કાર નંબર GJ/02/DP/0010માં પત્ની દક્ષાબેન તથા તેમના મિત્ર હર્ષદભાઇ ગાંડાભાઇ પટેલ અને તેમની પત્ની તારાબેન સાથે ગિરિમથક સાપુતારા ફરવા માટે આવ્યા હતા. સાપુતારા ટેબલ પોઇન્ટ ઉપર કાર પાર્ક કરી લોક કરી ટેબલ પોઇન્ટ ઉપર ફરવા માટે તેઓ ગયા હતા.
ત્યારબાદ તેઓ જ્યારે પરત ફર્યા હતા ત્યારે ગાડીનાં જમણી સાઇડના પાછળના દરવાજાનો કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ગાડીનું લોક ખોલી તેમણે અંદર જોતા બે મોટી બેગો તથા બે લેડીઝ પર્સમાં એક પર્સમાં મુકેલ મોબાઇલ કિંમત રૂપિયા 12,000 અને રોકડ રૂપિયા 2500, બીજા પર્સમાં મુકેલ મોબાઇલ કિંમત રૂપિયા 15,500 તથા રોકડ રૂપિયા 6000 મળી કુલ કિંમત રૂપિયા 36,000/-નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ પ્રવાસી દશરથભાઈ પટેલે આ અંગે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે ફરિયાદીનાં ફરિયાદનાં આધારે ગુનો તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500