Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'વિશ્વ આદિવાસી દિવસ' ઉજવણીની સાથે સાથે, બોરીગાવઠાનાં ખેડુતને લોન ધિરાણ મારફત ટ્રેક્ટર માટે 6 લાખ લોનની સહાય પ્રાપ્ત થઇ

  • August 05, 2023 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો અને આધુનિક ટેક્નોલોજી દ્વારા ખેડુતોની આવકમા વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની હાકલ કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે, કુદરતી સંકટ સમયે સહાયરૂપ થવાની વાત હોય, ગુજરાતની ડબલ એન્જીન સરકાર ખેડુત કલ્યાણ માટે અવિરતપણે કાર્યરત છે. ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા મુખ્યત્વે ખેતી અને જંગલ પેદાશોથી લોકો પોતાનું જીવન નિર્વાહ કરે છે. જિલ્લામાં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. સીમિત કુદરતી સ્ત્રોતોનો સામનો કરતા લોકો માટે રાજ્ય સરકાર તેમના જીવનધોરણની ગુણવત્ત્તા સુધારવાની સાથે આર્થિક સધ્ધરતા માટે સતત પ્રયત્નશીલ છે.



સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા પ્રજાજનોને ઘર આગણે સ્વરોજગાર મળી રહે તેવા હેતુથી સરળતાથી લોન ધિરાણ આપવા માટે, વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામા આવે છે. જેના થકી આદિવાસી લાભાર્થીઓને સરળ હપ્તાથી અને નીચા વ્યાજદરથી લોન સહાય મળે, અને તેઓની આવકમાં વધારા સાથે તેમનું જીવનધોરણ ઉંચુ લાવી શકાય. જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જિલ્લાના ખેડુતોને વરસાદી ખેતી ઉપર આધાર રાખવો પડે છે. જેમા ખેતીની આવકમાંથી બચત કરવી મુશ્કેલ બને છે. ત્યારે સરકાર દ્વારા ખેડુતોને લોન આપી આર્થિક સધ્ધરતા મેળવવા સહાય આપવામા આવે છે. આવા જ એક ખેડુત જેઓ સરકારની સહાય પ્રાપ્ત કરી પુરક આવક મેળવતા થયા છે.



ડાંગ જિલ્લાના બોરીગાવઠા ગામના રહેવાસી શ્રી રાજેશભાઇ રણછોડભાઇ ચૌધરીને સ્વરોજગાર યોજના હેઠળ વર્ષ 2019-20મા ખેતી કામ માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તરફથી લોન ધિરાણ અંગેની જાણકારી, પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતેથી મળી હતી. જેમા તેમણે લોન ધિરાણ માટેની કાર્યવાહી કરી ટ્રેકટર માટે રૂ.૬૦૦૦૦૦/- (છ લાખ)ની લોન સહાય પ્રાપ્ત થઇ. શ્રી રાજેશભાઇ ચૌધરીએ જણાવે છે કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તરફથી લોન મેળવી તેઓએ ટ્રેકટરની ખરીદી કરી, ખેતી તેમજ ધંધાની શરૂઆત કરી હતી. જેમા તેઓ હવે નિયમિત ખેતી કરતા સફળ ખેડૂત બન્યા છે, અને અનાજ ઉત્પાદનમા પણ વધારો થયો છે. આ ઉપરાંત આજુબાજુના ખેડુતને તેઓ ટ્રેક્ટર ભાડે પણ આપે છે.



જેમાંથી તેઓને ૬૫૦૦૦/- થી ૭૦૦૦૦/- પાંસઠ થી સીત્તેર હજાર રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. જેમાંથી ખર્ચ કાઢતા રૂ.૪૨૦૦૦/- જેટલી ચોખ્ખી આવક તેઓ મેળવે છે. તેઓ જણાવે છે કે, હવે ખેતી કામ માટે કે કોઇ પ્રસંગ માટે ઉછીના પૈસા લેવાની જરૂરિયાત ઉભી થતી નથી. પોતાની રોજગારી સાથે એક પુરક આવક શરૂ થતા મળેલ આવકથી તેઓ લોન ભરપાઇ કરે છે. તેમજ બાળકોને સારી શાળામાં ભણવા માટે પણ મોકલી શકે છે. તેઓ વધુમાં જણાવે છે કે, આ લોન સહાય થકી મારું અને મારા પરિવારનું જીવન ધોરણ ઉપર આવેલ છે. આવી રોજગારલક્ષી યોજનાનો લાભ મેળવી હું સરકારશ્રી અને આદિજાતિ વિકાસ કોર્પોરેશનનો આભારી છુ. ઉલ્લેખનીય છે કે, આદિજાતી બાંધવોનુ જીવન ધોરણ ઉંચુ લાવવા માટે સરકાર વિવિધ યોજનાઓ થકી લાભ પહોચાડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application