મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વસતા ખાસ કરીને મહારાષ્ટ્રીયન પરિવારોની કુળદેવી તથા સૌ ડાંગ વાસીઓની આસ્થાનાં કેન્દ્ર એવા તીર્થ ક્ષેત્ર નાંદુરીનાં 'સપ્તશૃંગી' ગઢ સુધીની સીધી બસ સેવા આહવાથી શરૂ થવા પામી છે. ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખએ આહવા-સપ્તશૃંગી નવીન બસને આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળા વલસાડ એસ.ટી.ડિવિઝનનાં વિભાગીય નિયામક, સુરત શહેર કારોબારી સભ્ય, આહવા ડેપો મેનેજર વગેરેએ ઉપસ્થિત રહી મુસાફર જનતા માટે ઉપલબ્ધ સેવાઓની વિગતો મહાનુભાવોને પુરી પાડી હતી.
આહવાથી દરરોજ સવારે 7:30 વાગ્યે ઉપડનારી આહવા-સપ્તશૃંગી લોકલ બસ આહવાથી ગલકુંડ, શામગહાન, સાપુતારા, વની, નાંદુરી માર્ગે બપોરે 11 વાગ્યે સપ્તશૃંગી ગઢ પહોંચશે અને રૂપિયા 125/-ના લોકલ ભાડે સંચાલિત આ બસ બે કલાકના વિરામ બાદ પરત બપોરે 1 વાગ્યે આજ માર્ગે આહવા આવવા રવાના થશે. પંચાયત પ્રમુખએ વાહન વ્યવહાર સહિત આ રૂટના રજૂઆત કર્તાઓ અને તેમની રજૂઆતને વાચા આપનારા ભાજપ ઉપપ્રમુખ અને એસ.ટી. સંચાલકોનો આભાર વ્યક્ત કરી, સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500