ડાંગનાં વઘઈ તાલુકાનાં બોરપાડા ગામનાં જ્યોતિબેન રમેશભાઈ ગાયકવાડ (ઉ.વ.35) જેઓના પ્રથમ લગ્ન લહાન (રહે.દાબદર ગામ,વઘઇ)નાં રહેવાસી વિજયભાઇ મંગુભાઈ ધુમ સાથે થયા હતાં. તેમનો પહેલો પતિ વિજય તેણીને ખુબ મારઝુડ કરતો હતો. જેથી તેનાથી કંટાળી જઈ જ્યોતિએ ત્રણ ચાર માસ પહેલા પંચોની સમક્ષ છુટાછેડા લીધા હતા અને બીજા લગ્ન પ્રવિણભાઈ રાજેશભાઈ ગવળી સાથે એક માસ પહેલા કર્યા હતા. જ્યોતિબેન બીજા લગ્ન કરનાર પતિ સાથે ગુંદવહળ મુકામે પોતાનું જીવન જીવી રહ્યા હતા. ત્યારે તારીખ ગત તા.07/07/2023નાં રોજ પ્રવિણભાઈ અને જ્યોતિબેન તેમની બાઈક લઈ સસરા બિમાર હોવાથી તેમને દવાખાને જોવા માટે બપોરના સમયે વાંસદા ગયા હતા. જ્યાંથી દવાખાને ખરીદી કરવા ગયા હતાં અને ખરીદી કરી તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા.
તે ઘરે જતી સમયે રસ્તામાં વરસાદ વધારે હોવાથી તેઓ પ્રવિણભાઈની નાની બહેન સાનુબેન ગવળીનાં ઘરે રાતે આઠેક વાગ્યે પહોંચી ત્યાંજ રોકાયા ગયા હતા અને બીજા દિવસે સવારે સાડા સાત પોણા આઠ વાગ્યાના સુમારે પ્રવિણભાઈ અને જ્યોતિ બેન વાનરચોંડ ગામથી પ્રવિણભાઈના ગામ ગુંદવહળ ગામે જવા નિકળ્યા હતા. સવારે આઠ વાગ્યેની આસપાસ વઘઇ તાલુકાનાં નાનાપાડા ગામની દુધ ડેરી નજીક આરોપી એટલે કે પ્રથમ પતિ વિજય મંગુએ પાછળથી આવી પ્રવિણભાઈની બાઈક આગળ તેની બાઈક આડી કરી દીધી. વિજય પ્રવિણભાઈની નજીક આવતા તેઓને જાણ થઈ હતી કે આ જ્યોતિનો પહેલો પતિ છે અને નજીક આવી કંઈ પણ બોલ્યા વગર વિજયે પોતાના ખભેથી કાળા કલરની બેગમાંથી હાથા વગરનું ધારિયુ કાઢી તેની પૂર્વ પત્ની જ્યોતિ પર અચાનક હુમલો કર્યો હતો.
આ હુમલામાં જ્યોતિ જમીન ઉપર પટકાઈ હતી અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતાં બેભાન થઈ ગઈ હતી. જે તુરંત બાદ પ્રથમ પતિ વિજય પોતાની પાસેનું ધારિયુ પોતાની કાળા કલરની બેગમાં મુકી પોતાની બાઇક ઉપર બેસી નાસી છુટ્યો હતો. બીજા પતિ પ્રવિણભાઈએ જ્યોતિને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જ્યોતિએ આંખ ના ખોલતાં પ્રવિણભાઈએ બુમાબુમ કરતા નાનાપાડા ગામના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં 108 એમ્બ્યુલન્સ મારફતે જ્યોતીને હોસ્પિટલ લાવવામાં આવી હતી, પરંતુ ડોક્ટરે તપાસતા જ્યોતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જણાવતા પ્રવિણભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ.
આ ઘટનાની જાણ વઘઇ પોલીસને થતાં તાત્કાલિક વઘઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાદમાં મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ. કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને આરોપી વિજયને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હત્યાને પગલે જ્યોતિબેનનાં બીજા પતિ પ્રવિણભાઈ રાજેશભાઈ ગવળીએ વઘઇ પોલીસમાં ફરીયાદ નોંધાવતાં નાયબ પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. સહિત પોલીસ ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાનો આરોપી હત્યા કરી ફરાર થતાં ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષકે પોલીસની ટીમને આરોપીને પકડવા માટે સૂચના કરી હતી. ત્યારબાદ વઘઈ પોલીસ મથકની ટીમે આરોપી વિજય મંગુ ધુમને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500