વઘઇ તાલુકાનાં ભેડમાળ નાનાપાડા રોડ પર ધરાપાડાના યુવકોની મોપેડ સ્લીપ મારી જતાં બાઈક પર સવાર બે યુવકો પૈકી એકનું મોત થયું હતું, જ્યારે એક યુવક સારવાર હેઠળ દાખલ કરાયો હતો. બનાવની વિગત એવી છે કે, ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ધરાપાડા ગામના બે યુવક સુરજ પાંડુભાઈ દોડકા (ઉ.વ.19) અને દિવ્યેશ રમેશભાઈ ભોયે તેમની ડેસ્ટીની મોપેડ નંબર જીજે/30/સી/8578 ઉપર સવાર થઈ લગ્ન પ્રસંગના માંડવામાં ભેડમાળ ગામે નાચવા ગયા હતા અને માંડવામાં નાચ્યા બાદ રાતના 1 વાગ્યે તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન ભેડમાળ નાનાપાડા રોડ પર તેમની મોપેડ સ્લીપ થઈ જતા બંને યુવકો મોપેડ પરથી રોડ પર ફેંકાઈ ગયા હતા. જેમાં મોપેડ ચલાવતા સુરજને માથાના ભાગે તેમજ પાછળ બેસેલા દિવ્યેશને શરીરે ઇજાઓ થતાં તેઓને પ્રથમ સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે વઘઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.
જ્યાં સુરજનું ગંભીર ઇજાને પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જયારે યુવકનાં મોતથી પરિવારમાં મોતની શોકની લાગણી છવાઇ ગઇ હતી અને પરિવારમાં એકના એક દીકરાનું મોત થતા પંથકમાં દુખનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ અંગે સુરજના પિતાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500