દમણ કોસ્ટ ગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા હરિયાણાનાં સાત ઉમેદવાર ઇલેકટ્રોનિક્સ ગેઝેટ્સ સાથે પરીક્ષા આપવા બેસતા પકડાયા હતા. આ અંગે દમણ પોલીસમાં ફરિયાદ નોંધાતા સાતેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. દમણ કોસ્ટગાર્ડ ખાતે ગત તા.20 જૂનના રોજ ICAGS ફાયરમેનની પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષામાં દેશભરના અનેક રાજ્યમાંથી પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે દમણ આવ્યા હતા.
જોકે ફાયરમેનની પરીક્ષા પૂર્વે કોસ્ટ ગાર્ડનાં અધિકારીઓએ પરીક્ષાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જ્યાં સાત પરીક્ષાર્થીઓ પાસેથી પરીક્ષામાં ચોરી કરી શકે એ એવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મળી આવ્યા હતા. કોસ્ટગાર્ડે સાતેય પરીક્ષાર્થીઓ સામે કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને પોલીસને સોંપ્યા હતા. જેથી પોલીસે IPCની કલમ 419, 420, 120બી, 34 અને 511 મુજબ ગુનો દાખલ કરી હતી.
જોકે આ મામલે હરિયાણાનાં બિટ્ટુ રોશનલાલ, વિકાસ સમશેર, સોનુ અજમેર, સોમબીર સુરેન્દ્ર, જસબીર નાસીર સિંગ, અજય કુમાર અને રીન્કુ કુમારની ધરપકડ કરી હતી. જયારે બુધવારે આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીની 2 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ગેઝેટ્સ તેઓ ક્યાંથી બનાવી લાવ્યા અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ ચાલૂ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500