હિંદી સિનેમાનાં લિજન્ડરી સંગીતકાર સચિન દેવ બર્મનનાં બાંગ્લાદેશ ખાતેનાં ઘરને એક મ્યુઝિયમ તથા સાંસ્કૃતિક સંકુલમાં પરિવર્તિત કરવાનો નિર્ણય બાંગ્લાદેશ સરકારે કર્યો છે. સચિન દેવ બર્મનનો જન્મ 1906માં હાલનાં બાંગ્લાદેશનાં ક્યુમિલા જિલ્લાનાં સાઉથ ચર્તાનાં રાજબાડી ગામે થયો હતો. તેઓ જિંદગીના પ્રારંભના 18 વર્ષ સુધી અહીં રહ્યા હતા. તેમના પિતા ત્રિપુરાનાં રાજવી પરિવારનાં સભ્ય હતા અને કેટલીક રાજવી સંપત્તિની દેખરેખ માટે તેમણે અહીં વસવાટ કર્યો હતો.
જેમાં સચિન દેવ બર્મન પર એક પુસ્તક લખનારા એડવોકેટ ગોલમ ફારુકનાં જણાવ્યા અનુસાર, સચિન દેવ બર્મનનાં પિતા ખુદ સારા સિતારવાદક હતા. તેમની દેખરેખ હેઠળ જ સચિનદાને બાળપણથી સંગીતની તાલીમ મળી હતી. ક્યુમિલાની જિલ્લા સ્કૂલમાં જ સચિનદાએ શિક્ષણ મેળવ્યું હતું. 1924માં તેઓ અહીંથી કોલકત્તા શિફ્ટ થયા હતા અને બાદમાં 1944માં તેમણે મુંબઈમાં ડગ માંડયાં હતાં.
જયારે 1947માં આઝાદી બાદ તેમનાં બાકીનાં પરિવારજનો પણ અહીંથી ભારતમાં સ્થળાંતર કરી ગયાં હતાં. બાંગ્લાદેશ સરકારે 2017માં આ પેલેસને સંરક્ષિત ઈમારતનો દરજ્જો આપ્યો હતો. હવે શેખ હસીના સરકારે તેના માટે ભારતીય ચલણ પ્રમાણે 86 લાખ રૂપિયા ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ સમગ્ર પેલેસને મ્યુઝિયમ તથા સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે થશે.
બાંગ્લાદેશ જ્યારે પૂર્વ પાકિસ્તાન હતું ત્યારે આ જગ્યાનો ઉપયોગ મિલિટરી વેરહાઉસ તરીકે કરાતો હતો. બાદમાં અહીં પોલ્ટ્રી ફાર્મ શરૂ કરી દેવાયું હતું. ત્યારથી આ જગ્યા ક્યુમિલા પોલ્ટ્રી ફાર્મ તરીકે ઓળખાતી હતી. શેખ હસીનાં 2012માં ત્રિપુરાની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે તેમણે અહીંના સાહિત્યકારો તથા સંગીતકારોને વચન આપ્યું હતું કે, સચિન દાનું પૈતૃક નિવાસસ્થાન એક સાંસ્કૃતિક વિરાસત તરીકે જાળવવામાં આવશે.
ત્યારપછી 2017માં શેખ હસીનાએ સચિન દેવ બર્મન સાંસ્કૃતિક ભવનનો શીલાન્યાસ પણ કર્યો હતો. આ પેલેસની સાત એકર જગ્યાના કેટલાક ભાગમાં દબાણો થઈ ગયાં હતાં. જોકે, હવે જિલ્લા તંત્ર દ્વારા તે દૂર કરવામાં આવ્યાં છે. હવે સમગ્ર સંકુલને આર્કિયોલોજી વિભાગને સોંપી દેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500