Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવીમાં એક પરિવારનાં સભ્યોનાં નામે વિવિધ બેંકોમાંથી લોન લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • April 26, 2025 

નવસારીનાં ગણદેવીમાં એક પરિવારના સભ્યોના નામે વિવિધ બેંકોમાંથી લોન મેળવી છેતરપિંડી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ૧૮ લોકોનાં નામે જુદી-જુદી બેંકો માંથી કુલ રૂ.૨૪.૮૮ લાખની લોન લઈ હપ્તા નહીં ભરનારા ૬ લોકો સામે પીડિતોએ ગણદેવી પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી. મળતી માહિતી મુજબ, ગણદેવી પાણીની ટાંકી વિસ્તારમાં કાજી ઓવરા નજીક રહેતી મિતલ ભાવેશભાઈ હળપતિ  અને અન્ય ૧૭ લોકોએ ગણદેવી પોલીસમાં તેમના ફળિયામાં રહેતા હળપતિ પરિવારના ૬ લોકો વિરૂદ્ધ કુલ રૂ.૨૪.૮૮ લાખની છેતરપીડી અને વિશ્વાસઘાતની લેખિત અરજી આપી હતી. જેમાં ઉપરોક્ત ફળિયામાં રહેતી ગીતાબેન હળપતિએ ભોગ બનનારા લોકો પાસે ઉછીના રૂપિયાની માંગ કરી હતી. જેમાં રૂ.૪૦ હજાર થી ૧ લાખ ઉછીના આપી શકતું ન હતું.


તેમ છતાં સતત માંગ ચાલુ રાખી હતી અને છેવટે એવું કહ્યું કે, મારે બેંક એજન્ટો સાથે ઓળખાણ છે. તમારે બેંકમાં આવવાની જરૂરિયાત નથી. માત્ર તમારો આધારકાર્ડ આપજો. બેંક એજન્ટ ઘરે આવી તમારી સહી અને ફોટો લઈ જશે અને લોન મળી જશે. જેના હપ્તા હું ભરી દઈશ. ચિંતા નહીં કરતા એવી ખાતરી આપતા સતત ઉછીનાં રૂપિયાની માંગ થી કંટાળેલા મહોલ્લાવાસીઓએ લોન અપાવવા માટે સંમતિ આપી હતી. ત્યારબાદ ગીતાબેન અને પરિવારએ બેંક એજન્ટને ઘરે બોલાવી ફરીયાદી ના આધારકાર્ડ લઈ ફોર્મ ભરી સહી કરાવી લેતા હતા અને તમારા નામે લોન મંજુર થશે ત્યારે ઓટીપી માટે બેન્કમાંથી ફોન આવશે. આવી રીતે કુલ ૧૮ લોકો પાસે રૂ.૪૦ હજારથી રૂ.૧ લાખ સુધીની લોન લેવડાવી હતી અને તેમની ખરી સહીથી બેંક ખાતામાંથી ઉપાડી લેવામાં આવતી હતી.


જેનો સરવાળો રૂ.૨૪.૮૮ લાખ જેટલો થાય છે બેંક ના હપ્તા ભરવાની ખાતરી આપતી ગીતા બેન એ થોડા સમય હપ્તા ભર્યા બાદ હાથ ઊંચા કરી દેતા બેંકો તરફથી જેના નામે લોન લેવાઈ હતી તેમની પાસે ઉઘરાણી શરૂ કરી હતી. આથી આખો મામલો સામે આવ્યો હતો અને સમગ્ર પંથક માં ચકચાર મચી હતી અને પીડિતોએ પોલીસનું શરણું લીધું હતું અને પીડિતોએ પોલીસમાં આરોપી ગીતા રાજેશભાઈ હળપતિ, તેમના પતિ રાજેશ હળપતિ, માતા સુમિત્રા ઉર્ફે સુમી જયંતિ હળપતિ, પુત્ર આશિષ, પુત્રી સોનલ તથા સંબંધી મેઘના વિવેક (તમામ રહે.પાણીની ટાંકી, કાજી ઓવારો ગણદેવી)એ એચડીએફ્સી બેંક, બેલાસ્ટાર ફાયનાન્સ, ઉજવન ફાયનાન્સ, બંધન બેંક, અવંતી બેંક અને એક્સીસ બેંકો માંથી એજન્ટો દ્વારા કુલ રૂ.૨૪.૮૮ લાખની લોન મેળવી હપ્તા નહીં ભરી છેતરપીંડી કરી હોવાની અરજી આપી હતી અને ઉપરોક્ત આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application