વલસાડના ઉંટડી ગ્રામ પંચાયતની ડિસેમ્બર-૨૧માં યોજાયેલી ચૂંટણીમાં સરપંચપદની અ.આ.જા. સામાન્ય માટે અનામત બેઠક પરથી ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને ચૂંટણી લડવાની ઘટનામાં ગામના જ યુવાને વિરોધ કરતા આખરે કિરણ પટેલને સરપંચ પદેથી ૩ વર્ષ પછી હોદ્દા પરથી દૂર કરાયા છે. આ કિસ્સામાં ચૂંટણી પંચ સાથે છેતરપીંડી કરાઈ હતી. વલસાડ જિલ્લામાં ગત ડિસેમ્બર-૨૦૨૧માં વલસાડ તાલુકાની ઉંટડીના કિરણ અનિલભાઈ પટેલે ગ્રા.પં.ના સરપંચપદની અ.આ.જા. બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુ.જનજાતિનું ખોટું પ્રમાણપત્ર રજુ કર્યુ હતું. કિરણ પટેલના પિતા અનિલકુમાર મણીલાલ પટેલ જન્મજાત કોળી પટેલ એટલે બક્ષીપંચ જાતિના હતા.
છતાં કિરણ પટેલે પોતાના લિવીંગ સર્ટીફિકેટમાં હિન્દુ નાયકા ખોટી રીતે લખાવીને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવી ઉમેદવારી કરીને અન્ય લાભાર્થીઓના હિતને નુકશાન પહોંચાડયું હતુ. આ અંગેની ફરિયાદ ગામના નવી પોળ વિસ્તારમાં રહેતા પાર્થ ધીરજલાલ પટેલ નામના જાગૃત યુવાને કલેકટર, ડી.ડી.ઓ. સહિતના સંબંધિત અધિકારીઓને કરી હતી. આ સંદર્ભે સંયુક્ત કમિશ્નર, વિભાગીય વિશ્લેષણ સમિતિ, સુરતએ વિજીલન્સ સેલને સોંપેલી તપાસને અંતે રજુ કરાયેલા અભિપ્રાય-આધાર પુરાવા અને સુનાવણીને અંતે ઉંટડીના સરપંચ કિરણ અનિલભાઈ પટેલે સરપંચની ચૂંટણીમાં ફોર્મ સાથે રજુ કરેલ જાતિનું પ્રમાણપત્ર અમાન્ય કરવાનો ચુકાદો આપ્યો હતો.
જે અંગે વલસાડ ડી.ડી.ઓ.ના આદેશથી વલસાડ ટી.ડી.ઓ.એ હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત યોજેલ સુનાવણીમાં સરપંચ કિરણ પટેલને આપેલી નોટીસના જવાબમાં સરપંચે ના. કોર્ટમાં અપીલ કરેલ હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ ટી. ડી.ઓ.એ અધ્યક્ષ-વ-સંયુક્ત કમિશ્નર, વિભાગ વિશ્લેષણ સમિતિ સુરતના તા. ૨૮-૦૨-૨૫ના સરપંચ કિરણ પટેલે રજુ કરેલ જાતિ પ્રમાણપત્ર રદ કરવા અને જપ્ત કરવાના હુકમને ધ્યાને રાખીને તેમને સરપંચપદેથી દૂર કરી દેવાનો હુકમ કર્યો છે. ટી.ડી.ઓ.એ ઉંટડી ગા. પં.નો ચાર્જ ગામના ઉપસરપંચ આકિન ભીખુભાઈ દેસાઈને સોંપવાનો પણ હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500