વાપીનાં ચાણોદ ખાતે નિતેશ કમલેશ યાદવ ઉપર જૂની અદાવતે હુમલો કરવાની ઘટનામાં આરોપી બીટુ નવલ મંડલ તથા આશિષકુમાર કલમકિશોર મંડલ (રહે.ચણોદ ગામ)ને વાપીના એડી.ચીફ જયુડી.મેજી.ની કોર્ટે તકસીરવાર ઠેરવી બંનેને છ માસની કેદની સજા તથા ૪૨ હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો. ઘટનાની વિગત એવી છે કે, બીટુ નવલ મંડલ તથા આશિષકુમાર કમલકિશોર મંડલ (રહે.ચણોદ ગામ)એ અન્ય સગીરવયના આરોપી સાથે મળી નીતેશ કમલેશ યાદવનાં મિત્ર અતુલ સાથે અગાઉ થયેલ ઝગડા બાબતે અદાવત રાખી તારીખ ૯/૧/૨૦૨૪ નાંરોજ ચણોદ અમરનગર આંબેડકર ચોક પાસે ઝઘડો કર્યો હતો.
જે બાદ નિતેશને ઢીકકામુકીનો માર મારવામાં આવ્યો હતો. આશિષે તેના હાથમાના લાકડાના ધોકા વડે નિતેશના માથાના ભાગે માર મારી હાથ તથા પીઠના ભાગે લાકડાના ફટકા મારી ફેકચર કરી નાખી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલો વાપી કોર્ટમાં ચાલી જતા અંતિમ સુનાવણીમાં આરોપી બીટુ નવલ મંડલ, ચણોદ ગામ તથા આશિષકુમાર કલમકિશોર મંડલ (રહે.ચણોદ ગામ)ને કોર્ટે તકસીરવાર ઠેરવ્યા હતા. આ સાથે જ કોર્ટે તેઓને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૨૩ના ભંગ બદલ એક માસની સાદી કેદની સજા તથા રૂ.૧,૦૦૦/-(એક હજાર પુરા) તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૨૪ના ભંગ બદલ છ માસની સાદી કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦/- તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૨૫ના ભંગ બદલ છ માસની સાદી કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦/- બંને આરોપીના મળી રૂ.૪૨,૦૦૦/-દંડ ભરવા હુકમ કર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો સંયુક્ત દંડ ગણતાં વધુ દીન-૧૫ની સજા ભોગવવા વાપીના એડીશનલ ચીફ જયુડી. મેજી. બી.જે.પટેલે હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500