Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

chandrayaan-3 : ૨૩ ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિન જાહેર

  • August 27, 2023 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-થ્રીનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતર્યું એ દિવસ, ૨૩ ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિન જાહેર કર્યો હતો અને ચંદ્રયાન-થ્રીએ ચંદ્ર પર જ્યાં ઉતરાણ કર્યું હતું, એ જગ્યાને ‘શિવશક્તિ’ તેમ જ ચંદ્રયાન-ટુ ચંદ્ર પર જે સ્થળે ઊતર્યું હતું એ જગ્યાને ‘તિરંગા’ નામ આપ્યા હતા. તે ઉપરાંત મોદીજીએ ‘જય વિજ્ઞાન, જય અનુસંધાન’નું નવું સૂત્ર આપ્યું હતું.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીસની રાજધાની એથેન્સથી સીધા બેંગલૂરુ પહોંચીને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના વિજ્ઞાનીઓને મળીને ચંદ્રયાન-થ્રીની સફળતાના અભિનંદન આપ્યા હતા. એ પ્રસંગે કરેલા સંબોધનમાં ચંદ્રના બે સ્થળોના નામકરણ અને નવા સૂત્રની જાહેરાત કરી હતી. ચંદ્રયાન-થ્રી મિશનની સફળતાને ભારતના અવકાશ કાર્યક્રમના ઇતિહાસમાં અસાધારણ ક્ષણ ગણાવી હતી.


વડા પ્રધાને જણાવ્યું હતું કે અવકાશ કાર્યક્રમમાં વાહન જ્યાં ઊતરે એ સ્થળને નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ચંદ્રયાન-થ્રીનું વિક્રમ લૅન્ડર જ્યાં ઊતર્યું એ સ્થળને ‘શિવશક્તિ પોઇન્ટ’ નામ આપવાનું વિશિષ્ટ કારણ છે. શિવમાં માનવ કલ્યાણનો સંકલ્પ છે અને શક્તિમાં એ સંકલ્પ પૂર્ણ કરવાની ક્ષમતા છે.


શિવશક્તિ પોઇન્ટમાં હિમાલયથી કન્યાકુમારીને જોડવાની લાગણી પણ સમાયેલી છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવી પેઢીએ ભારતના પારૈાણિક ગ્રંથોમાં અપાયેલાં ખગોળશાસ્ત્રનાં સૂત્રો-ફોર્મ્યુલા વૈજ્ઞાનિક દૃષ્ટિએ સિદ્ધ કરવા અને તેમનો નવેસરથી અભ્યાસ કરવા આગળ આવવું જોઇએ. આપણો વારસો જાળવવા અને વિજ્ઞાન માટે આવું કરવું જરૂરી છે. એક રીતે શાળા-કૉલેજો-યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની જવાબદારી બમણી થાય છે.


આપણો વિજ્ઞાનના વારસાનો જે ખજાનો ગુલામીના લાંબા કાળમાં દટાયેલો પડી રહ્યો હતો,તેને ‘આઝાદી કા અમૃતકાલ’માં બહાર લાવવાની જરૂર છે.તેને માટે સંશોધન કરવા અને દુનિયાને તેની વાત કરવાની આવશ્યકતા છે.વડા પ્રધાને ચંદ્રયાન-થ્રીની સફળતામાં મહિલા વિજ્ઞાનીઓની ભૂમિકાને બિરદાવતાં કહ્યું હતું કે આ મહત્ત્વાકાંક્ષી અભિયાનને સફળતાની દિશામાં દોરી જવામાં નારી શક્તિની મોટી ભૂમિકા છે. આપ સૌના પરિશ્રમ, સમર્પિતતા, હિંમત, ધૈર્ય અને જોશને બિરદાવવા માટે રૂબરૂ મુલાકાત માટે હું અધીરો બન્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. આપણું રાષ્ટ્રીય ગૌરવ ચંદ્ર પર સ્થાપિત થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application