વલસાડનાં ઉમરગામનાં સોળસંબામાં બે વર્ષના માસૂમ પુત્રની હત્યા બાદ દંપતીના આપઘાત પ્રકરણમાં પોલીસે ઘટનાના બીજા દિવસે સંજય પટેલ નામના ઈસમ સામે આપઘાત કરવા દુપ્પેરણા બદલનો ગુનો નોંધ્યો હતો. એટલું જ નહીં, આ બનાવમાં પુત્રની હત્યા તેના માતા-પિતાએ જ કરી હોવાના તારણ સાથે તેઓ સામે પણ ફરિયાદ દાખલ કરી હતી. મળતી વિગત મુજબ, સોળસુંબા ગામે નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા શિવમ રામપાલ વિશ્વકર્મા (ઉ.વ.૩૧) અને તેની પત્ની આરતી (ઉ.વ.૨૫)એ પોતાના બે વર્ષના પુત્ર નક્ષકુમારની ગળુ દબાવીને હત્યા કરી હતી.
ત્યારબાદ તે દંપતી પૈકી પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તે પછી પતિએ પણ ફાંસો ખાઈને જ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના ગુરુવારે ત્રણેયની લાશ મળતાં જ બહાર આવી હતી. આ કેસમાં તપાસ દરમિયાન નક્ષનો પીએમ રિપોર્ટ આવી ગયો હતો. જેમાં ગૂંગળામણને કારણે તેનું મોત થયાનું તારણ નીકળ્યું હતુ. તેથી પોલીસે નક્ષની હત્યા બદલ તેના સગા માતા-પિતા સામે જ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ માને છે કે, ઓશીકુ અથવા કોઈ કાપડને કારણે ગળુ દબાતા ગૂંગળામણને કારણે નક્ષનું મોત થયું છે.
જ્યારે ઘટના સ્થળ પરથી મળેલી સુસાઈડ નોટમાંથી પોલીસને જાણવા મળ્યું હતુ કે, શિવમ ફોરેક્સ ટ્રેડિંગનું કામકાજ કરતો હતો. અને સંજય પટેલ નામના ઈસમે તેને બરબાદ કરી નાંખ્યો હતો. એટલું જ નહીં તેના ત્રાસને કારણે જ અંતિમ પગલું ભરી રહ્યાનો ઉલ્લેખ પણ શિવમે સ્યુસાઈડ નોટમાં કર્યો હતો. ઘટના અંગે શિવમના પિતા રામપાલ વિશ્વકર્માએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે સંજય પટેલ વિરુદ્ધ શિવમને આપઘાત માટે મજબૂર કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ, શનિવારે મૃતકોની લાશને લઈને રામપાલ વિશ્વકર્મા તેમના વતન ઝાંસી (યુપી) જવા રવાના થનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500