થોડા દિવસ પહેલા બેંગલુરુમાં એક એઆઇ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી, હવે આ જ પ્રકારની ઘટના દિલ્હીના કલ્યાણ વિહારમાં સામે આવી હોવાના અહેવાલો છે. દિલ્હીમાં એક બિઝનેસમેન પુનીત ખુરાનાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પુનીતના પરિવારનો આરોપ છે કે પત્ની અને તેના પરિવારજનોના અત્યાચારથી કંટાળીને પુનીતે આત્મહત્યાનું પગલુ ભર્યું છે. પુનીત અને તેની પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છ. દિલ્હી પોલીસનું કહેવુ છે કે, મૃતક પુનીતનો મોબાઇલ અમે કબજામાં લઇને તેના ડેટાની તપાસ શરૂ કરી છે.
પુનીતના પરિવારનો દાવો છે કે આત્મહત્યા પહેલા તેણે પત્ની સાથે એક કલાક સુધી વીડિયો કોલ પર વાતચીત કરી હતી, જેને રેકોર્ડ કરીને મોબાઇલમાં સેવ કરી રાખ્યો હતો જે બાદ પુનીતે આત્મહત્યા કરી લીધી હતી. એક તરફ દેશમાં ૩૧ની ઉજવણી ચાલી રહી હતી જ્યારે બીજી તરફ પુનીતે મોતને ગળે લગાવ્યું હતું. આ સમગ્ર ઘટનાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. પુનીતના પિતા ત્રિલોકનાથનો દાવો છે કે પુનીત અને તેની પત્ની મનિકા વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો, જેને પગલે પુનીતને તેની પત્ની અને સાસરિયાવાળા સંપત્તિ તેમજ રૂપિયા મુદ્દે પરેશાન કરી રહ્યા હતા. જ્યારે પુનીતની બહેનનો આરોપ છે કે બન્ને વચ્ચે ૨૦૧૬માં લગ્ન થયા હતા, છેલ્લા બે વર્ષથી બન્ને અલગ રહી રહ્યા હતા.
એક સમય એવો પણ આવ્યો હતો કે પુનીતે પોતાના માતા પિતાને છોડીને પત્ની સાથે રહેવાનું પસંદ કર્યું હતું પરંતુ બન્ને વચ્ચે સંબંધો ઠીક ના થતા પુનીત પરત માતા પિતા પાસે રહેવા માટે આવી ગયો હતો. હાલમાં બન્ને વચ્ચે પ્રોપર્ટી અને રૂપિયા મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. પુનીતના પરિવારનો આરોપ છે કે અમે સંપત્તિ વેચીને ૬૫ લાખ રૂપિયા મેળવ્યા હતા જે પુનીતના પત્નીના પિતાને આપવામાં આવ્યા હતા. લગ્ન બાદ પુનીત અને તેની પત્ની મનિકાએ કેફે શરૂ કર્યું હતું, જે થોડા સમય બાદ બંધ થઇ ગયું હતું. બીજી તરફ પોલીસે પત્નીના અત્યાચારના આરોપો વચ્ચે વેપારને લઇને રૂપિયાના વિવાદની પણ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે પતિ-પત્ની વચ્ચે વાતચીતના વીડિયો અને વોઇસ રેકોર્ડિંગની તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500