ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોન મેળામાં બેંકો, સરકારી વિભાગનાં ઉભા કરાયેલા સ્ટોલ ખાતે 236 લોકો માહિતગાર થયા હતા. ધંધા, શિક્ષણ, વાહન, જમીન, મકાન સહિતની વિવિધ લોનો, વ્યાજદર, ડોક્યુમેન્ટ, ફોર્મ ભરવા સહિતથી પ્રજાને પોલીસે અવગત કરી હતી. રાજ્યનાં ગૃહ વિભાગે વ્યાજખોરો સામે ઉપાડેલી ઝુંબેશમાં ભરૂચ જિલ્લા પોલીસે પણ સંખ્યાબંધ લોક દરબાર યોજી વ્યાજખોરોના શોષણમાંથી પીડિતોને મુક્તિ અપાવી ફરિયાદો નોંધી વ્યાજખોરોને જેલભેગા કર્યા હતા.
ત્યારે હવે સમાજમાં ફેરિયા, રીક્ષા ચાલક, શાકભાજી વાળા, છૂટક વેપારીઓ, નાના ધંધાર્થી સહિતના જરૂરિયાતમંદોને સસ્તી અને સુલભ લોન મળી રહે તે માટે આજે બુધવારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની આગેવાનીમાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે પોલીસે લોન મેળાનું આયોજન કર્યું હતું. જેમાં કલેકટર કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નગરપાલિકા તથા વિવિધ બેંકો સાથે મળીને નાના ધંધાવાળા વેપારીઓને અવગત કરવા એક જ સ્થળે તમામ આયોજન કરાયું હતું.
આયોજનમાં આશરે 300થી પણ વધુ લોકોએ હાજર રહી સમજ મેળવી અને જરૂરી માહિતીઓ મેળવેલ. જેમાં લોન લેવી, આધાર કાર્ડ અપડેટ કરવા, આયુષ્માન કાર્ડ મેળવવા-અપડેટ કરવા, શૈક્ષણિક લોન મેળવવી વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં 236 જેટલા લોકોએ વિવિધ સ્ટોલ પરથી રૂબરૂમાં માહિતીઓ મેળવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500