ભરૂચનાં ઝનોર ગામે બંધ ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘર માંથી સોના-ચાંદીનાં કુલ 2.25 લાખનાં દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. જોકે પાડોશીનાં CCTV કેમેરામાં બાઇક પર આવેલાં બે અજાણ્યા તસ્કરોએ કારસો રચ્યો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસારમ ભરૂચનાં ઝનોર ગામે હનુમાન ફળીયામાં રહેતાં સતિષ નરસી માછીની પુત્રીનાં લગ્ન રણાપોર ગામે થયાં હતાં. તે તેના પતિ સાથે ઝનોર ગામે જ તેના પિતાના ઘરની સામે રહેતી હતી.
પરંતુ તેમનો પુત્ર બિમાર હોઇ તે તેના પતિ અને સંતાન સાથે તેના પિતાનાં ઘરે રહેવા ગઇ હતી. રાત્રે પોણા ત્રણ વાગ્યે સતિષ માછી તેમજ તેના જમાઇ અજીત સુખા માછી ફુલ લઇ ભરૂચ આપવામાં માટે નીકળ્યાં હતાં. ત્યારબાદ સવારે 6 વાગ્યાનાં અરસામાં તેની પુત્રી મેઘના પોતાના ઘરે સાફ સફાઇ માટે જતાં ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તેમજ તાળું તુટેલું જણાયું હતું.
તદ્દઉપરાંત ઘરમાં પ્રવેશતાં અજાણ્યા તસ્કરોએે ઘરમાં તિજોરીનો સામાન વેર-વિખેર કરી સોના-ચાંદીનાં કુલ રૂપિયા 2.25 લાખના દાગીના ચોરી કરી ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે CCTV ફૂટેજમાં પોલીસને જોવા મળ્યું હતું કે, સવારે પોણા પાંચ વાગ્યાનાં અરસામાં બાઇક પર બે અજાણ્યા તસ્કરોએ આવી તેમના ઘરમાં ચોરી કરી બાઇક પર ફરાર થઇ ગયાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500