અંકલેશ્વરનાં પ્રતિન ઓવર બ્રિજ નીચે નેશનલ હાઇવે નંબર-48 પરથી એક બાઈક પર પસાર થતાં બે ઈસમોઓને કાર ચાલકે અડફેટમાં લીધા હતાં. જેમાં એક ઇસમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજા ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામનાં વડ ફળિયામાં રહેતા ચીમન સોમાભાઈ વસાવા અને તેમના મનીષ માધુભાઈ વસાવા બંનેય સંબંધમાં સાઢુ ભાઈઓ થાય છે.
જોકે તેઓ મંગળવાર રોજ રાત્રીનાં સમયે પોતાની બાઈક લઈને અંકલેશ્વરનાં પ્રતિન ઓવર બ્રિજ નીચે નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી સુરત તરફ જઈ રહ્યા હતાં. તે સમય દરમિયાન એક હુંડાઈ કારનાં ચાલકે પરઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી લાવી બાઈક પર જતા બંનેય બાઈક સવારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતાં વાહન ચાલકો દોડી આવ્યા હતા.
જયારે અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક કારની આગળનાં બંપ્પર તોડીને અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક બંને સાઢુ ભાઈઓ રોડ ઉપર પટકાતા એક ઈસમ ચીમન વસાવાને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે મનીષ વસાવાને પગમાં અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને 108ની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જોકે અકસ્માતનાં કારણે ગભરાઈ ગયેલો કાર ચાલક સ્થળ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધીને ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500