અંક્લેશ્વર તાલુકાનાં માંડવા ગામેથી ટેમ્પોમાં શાકભાજી ભરી દહેજ વેપાર કરતાં એક શખ્સને દહેજ રોડ પર ભુવા ચોકડી પાસે એક શખ્સે પોલીસ તરીકેની ઓળખ આપી તેમનો ટેમ્પો રોકાવ્યો હતો. ત્યારબાદ અન્ય 3 સાગરિતોએ ત્યાં પહોંચી તે દેશી દારૂની હેરાફેરી કરતો હોવાનુ જણાવી તેની પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી.
બનાવની વિગત એવી છે કે, અંક્લેશ્વરનાં માંડવા ગામે રહેતો રાજેશભાઈ રમેશભાઈ વસાવા દર રવિવારે તેના ગામથી ટેમ્પોમાં શાકભાજી લઇ દહેજ વેચવા જાય છે. જોકે ગત તા.26મી જૂનનાં રોજ તે તેનો ટેમ્પો લઇને દહેજ શાકભાજી લઇ જઇ રહ્યો હતો. તે સમયે ભુવા ચોકડી પાસે એક શખ્સે તેનો ટેમ્પો અટકાવ્યો હતો. તેણે પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે આપી તેણે રાજેશને સાઇડમાં કરી ટેમ્પો જાતે ચલાવી આમદડા ગામનાં બસ સ્ટેન્ડ પાસે લઇ ગયો હતો.
જ્યાંથી તેણે ફોન પર વાત કરી હતી કે, સાહેબ ગાડી મે લઇ લીધી છે તમે આવી જાઓ. દરમિયાનમાં એક અલટો કારમાં 3 શખ્સોએ આવી, ‘તું ટેમ્પોમાં દારૂની પોટલીઓ લઇ જાય છે’ જેથી એસપી કચેરીમાં રૂપિયા 10 લાખ ભરવા પડશે તેમ કહ્યું હતું. જોકે બાદમાં ભારે રકઝક બાદ તેમણે 2.50 લાખમાં સમાધાન કર્યું હતું. જેના પગલે રાજેશે ટુકડે ટુકડે તેમને 2.20 લાખ રૂપિયા આપ્યાં હતાં.
જે પૈકીનાં રૂપિયા 30 હજાર બાકી હોઇ તેના માટે ઉઘરાણી કરી હતી. તે અરસામાં એક શખ્સનું નામ રિઝવાન જ્યારે અન્ય એકનું નામ ઝાકીર હોવાનું માલુમ પડ્યું હતું. બીજી તરફ સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં પોલીસ તરીકે ઓળખ આપનાર પૈકીનાં એક શખ્સની ઓળખ થતાં તેનું નામ નિખિલ શાહ અને તે યુવા કોંગ્રેસનો આગેવાન હોવાનું તેમજ તેઓ પોલીસ કર્મીઓ ન હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500