અંકલેશ્વરનાં અંદાડા ગામના ટેકરા ફળિયામાં રહેતા બે ઈસમોને મકાન બાબતે અવાર-નવાર તકરાર થતી હતી. આ સમયે આજ ફળીયામાં રહેતા એક વ્યક્તિએ એક ઈસમ સાથે વાતચીત કરતા ઉશ્કેરાઈ ગયેલા બીજા ઈસમે મારામારી કરતાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વરનાં અંદાડાનાં ગામના ટેકરા ફળીયામાં સુનિલ અર્જુન વસાવા પોતાના પરિવાર સાથે રહીને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત તા.17મી ડિસેમ્બરના રોજ સાંજના નોકરી પરથી પરત આવીને પોતાના ઘરે હતા.
તે વખતે તેમનો પુત્ર બાજુના ફળિયામાં રમવા માટે ગયો હતો. જે અંધારું થતાં પણ નહીં આવતા સુનિલ વસાવા તેને બોલાવા માટે ગયા હતા. આ સમયે ત્યાં રહેતા સુરેશ કરશન વસાવા અને સતીશ શના વસાવાઓ વચ્ચે મકાન બાબતે અગાઉની તકરારથી અનેક વાર લડાઈ ઝઘડા થતાં રહે છે. આ દિવસે પણ બંનેય વચ્ચે બોલાચાલી ચાલતી હતી. આ સમયે સુનિલ વસાવા તેના પુત્રને લઈને જતા સમયે સુરેશ વસાવા સાથે વાતચિત કરવા ઉભો રહેતા સામે વાળા સતીશ વસાવાએ સુનિલ વસાવાને અપશબ્દો બોલવા લાવ્યો હતો.
જેથી સુનીલ તેને અપશબ્દો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા સતીશ વસાવાએ લોખંડના પાઇપ લઈને સુનિલને માર્યું હતું. જેથી તેના હાથના કોણીના ભાગે ઇજાઓ પહોંચતા તે પડી ગયો હતો. ત્યારબાદ સતીશના મળતીયાઓ પૂનમ વસાવા, વિષ્ણુ વસાવા અને અર્જુન વસાવાએ સુનિલને માર માર્યો હતો. જોકે આ સમયે સુરેશ વસાવા અને સુનિલની પત્નીએ દોડી આવીને તેને છોડાવ્યો હતો. બાદમાં તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો હતો. ઘટના અંગે સુનિલે તમામ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500