અંકલેશ્વરનાં પિરામણ ગામનાં ઓવર બ્રિજ પાસે ઇકો કાર લઇને પસાર થતા એક નિવૃત પોલીસ કર્મીએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એક રીક્ષા, બે બાઈક તેમજ ફ્રૂટની લારી અને રોડની બાજુમાં બેઠેલા પથારાવાળાને અડફેટમાં લેતા દોડધામ મચી ગઇ હતી. જયારે હીટ એન્ડ રનની ઘટનામાં મહિલા સહિત 5 લોકોને ઇજા પહોંચી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર 48 પરથી પીરામણ ગામ તરફ આવતી ઇકો કારના ચાલકે રેલવે અંડર બ્રિજ પાસે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એક રીક્ષા, બે બાઈક, એક ફ્રૂટની લારી અને રોડની બાજુમાં બેઠેલાં પથારાવાળાને અડફેટમાં લેતા સ્થળ ઉપર ભાગદોડનાં દ્રશ્યો સર્જાયાં હતાં.
જોકે આ અકસ્માત બાદ ઇકો કાર ચાલક સ્થળ પરથી ભાગવા જતા સ્થાનિકોએ ઝડપી લીધો હતો. ઇકો કાર ચાલકની તપાસ કરતા તે નિવૃત્ત પોલીસકર્મી ગુલાબ સાકરે હોવાનું બહાર આવ્યું હતું. આમ, ગુલાબ સાકરેને ઝડપી પાડી લોકોએ પોલીસનાં હવાલે કર્યો હતો. હીટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહીત 5 લોકોને ઈજાઓ પહોંચતા તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. જયારે ગુલાબ સાકરે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો. બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500