ભરૂચનાં વાગરા તાલુકાનાં મુલેર ગામમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે બે બોગસ તબીબોને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે તબીબો પાસેથી મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા 27 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, આમોદ રોડ ઉપર મોનીતલ હાજરા નામનો યુવક ભાડાની દુકાનમાં ડિગ્રી વિના દવાખાનું શરૂ કરી મેડીકલ પ્રેક્ટીસ કરે છે.
જેના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા સ્થળ ઉપરથી મેડીકલ પ્રેકટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળના અને હાલ મુલેર ગામ ખાતે રહેતા મોનીતલ મનોરંજન હાજરા પાસે મેડીકલ પ્રેક્ટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહિ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગેરકાયદેસર રીતે દવા તેમજ મેડીકલ સાધનો કબજે કરી એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે આવી જ રીતે આમોદ રોડ ઉપર આવેલા એસ.એસ.મોબાઈલની બાજુમાં સોહાગ પ્રણય દાસ નામનો ઇસમ દુકાન ભાડે રાખી ડિગ્રી વિના દવાખાનું શરૂ કરી મેડીકલ પ્રેક્ટીસ કરે છે જે બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. તેમજ તેની પાસે મેડીકલ પ્રેક્ટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહિ હોવાનું જણાવતાં પોલીસે તેની પણ અટકાયત કરી હતી. પોલીસે ગેરકાયદેસર રીતે એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરતા અને દવા તેમજ મેડીકલ સાધનો કબજે કર્યા હતા. આમ, પોલીસે બંને સ્થળોથી કુલ રૂપિયા 27 હજારનો મુદ્દામાલ કબજે કરી બંને બોગસ તબીબને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500