વેસ્ટ બંગાળનો પરિવાર રોજગારી અર્થે દહેજ પાસેના જોલવા ગામે આવી રહેતો હતો અને દરમિયાનમાં બપોરના સમય ગાળામાં તેમની સગીર પુત્રી ઘરેથી ગુમ થઇ ગઇ હતી. જોકે પરિવારે ભરૂચથી સુરત સુધી તેની તપાસ કરવા છતાં તેના કોઇ સગડ નહીં મળતાં આખરે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, દહેજ પાસે આવેલાં જોલવા ગામે કુન્તીબાલા દિવાકર દાસ તેના પતિ અને પરિવાર સાથે વેસ્ટ બંગાળના પુરૂલીયાથી રોજગારી અર્થે આવી ભાડેથી રહેતાં હતાં.
તેઓ નજીકની એક હોટલમાં કામ કરતી હતી. જ્યારે તેમના પતિ એક કંપનીમાં જતાં હતાં. જયારે ગત તા.16મી જૂનના રોજ તેમને સાંજે હોટલ પર નોકરીએ જવાનું હોઇ બપોરના સમયે તેઓ તેમના ઘરમાં બંને પુત્રીઓ સાથે સુઇ ગઇ હતી. જયારે બે વાગ્યે તે જાગી જતાં તેની મોટી પુત્રી ત્યાં સુતેલી જણાઇ હતી. જોકે, નાનીપુત્રી નોમીતા દેખાઇ ન હતી. જેના પગલેલ તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેના કોઇ સગડ મળ્યાં ન હતાં.
તેના પતિ નોકરીએથી આવતાં તેઓએ ભરૂચ તેમજ સુરત સુધી તેમની પુત્રીની શોધખોળ કરી હતી. જોકે, તેની કોઇ ભાળ મળી ન હતી. આખરે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેને શોધવાની કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરાને આસપાસના જ કોઇ શખ્સે અપહરણ કરી લઇ ગયાનું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500