જંબુસર તાલુકા પંચાયતમાં પ્યૂનની નોકરી કરતી મહિલા કર્મી ભરૂચ ખાતે રહેતાં તેમના પુત્રોને મળવા આવી હતી. તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 2.45 લાખની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હતાં. બનાવ અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જંબુસરનાં શિવનગર સસાયટી ખાતે રહેતાં વિદ્યાબેન ઇશ્વરભાઈ પરમાર તાલુકા પંચાયતમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. જોકે તેમના પતિના દેહાંત બાદ તેમણે પોતાના બે સંતાનોની જવાબદારી સંભાળી હતી અને હાલમાં તેમના બંને પુત્ર નોકરી અર્થે ભરૂચ આવી રહેતાં હતાં.
જોકે ગત તા.24મીએ તેઓ તેમના ઘરને તાળું મારી બપોર બાદ તેમના સંતાનોને મળવા માટે ભરૂચ ગયાં હતાં. ત્યારબાદ તેઓ ગત તા.27મીએ રાત્રે ઘરે પરત આવતાં તેમના ઘરને મારેલું તાળું તુટેલું જણાઇ આવ્યું હતું તેમજ નકુચો પણ તુટેલો હતો. જેથી તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં બેડરૂમની તિજોરીઓ ખુલ્લી હોવા સાથે તમામ સામાન વેરવિખેર પડેલો હતો.
જેથી તપાસ કરતાં તસ્કરોએ તિજોરીમાંથી સોના-ચાંદીનાં દાગીનાં તેમજ 70 હજાર રોકડા મળી કુલ રૂપિયા 2.45 લાખની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે જંબુસર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ચોરી અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500