ભરૂચના શ્રમ અધિકારીએ શહેરનાં શ્રવણ ચોકડી પાસેની આવેલી એવન ટાયર પંક્ચર નામની સાઇકલ રિપેરિંગ અને પંક્ચરની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. જેમાં દુકાનનો સંચાલક 13 વર્ષનાં એક બાળક પાસે કામ કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવની વિગત એવી છે કે, ભરૂચ જિલ્લાની મદદનીશ શ્રમ આયુક્ત કચેરીનાં સરકારી શ્રમ અધિકારી (રહે.મહર્ષીવીલા, ઓસારા રોડ, ભરૂચ) નાને એક નનામી અરજી મળી હતી કે, અમુક સ્થળે બાળ મજુરી કરાવાય છે.
જેના પગલે તેમણે તેમની ટીમ અને પોલીસની મદદથી વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તેમણે શ્રવણ ચોકડી પાસે આવેલી દત્તકૃપા શોપિંગ સેન્ટરમાં આવેલી એવન ટાયર પંક્ચર નામની દુકાનમાં તપાસ કરતાં ત્યાં એક બાળક કામ કરતો મળી આવ્યો હતો. તેમજ જેમાં પુછપરછમાં તેનું નામ નૌશાદઆલમ નસીર શેખ (રહે.મિલનનગર,નંદેલાવ) હોવાનુ માલુમ પડ્યું હતું.
ઉપરાંત તેને માસિક 3 હજારના વેતન પર મજુરીકામ કરાવાનું હોવાનું પણ બહાર આવ્યું હતું. તેમણે તુરંત સંચાલક મોહંમદ અનવર જલીલ શેખ વિરૂદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કિશોર ન્યાય અધિનિયમની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500