અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી. પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો એક ઈસમને ઝડપી પાડી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષમાં રહેતો મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા ઘરના સોફાસેટના ખૂણામાંથી સેલોટેપ વીંટાળેલ બે પેકેટોમાંથી 10 કિલો 106 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નશીલા પદાર્થના સોદાગર મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતા તેણે સુરતના અશ્વિનીકુમાર ઝુપડ પટ્ટીમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500