ભરૂચનાં વાગરા તાલુકામાં આવેલાં વાવ ગામે રહેતાં એક શખ્સનો જન્મ દિવસ હોઇ તેણે પણિયાદરા ગામે રહેતાં તેના મિત્રને ત્યાં આવી પોતાના જન્મદિવસ નિમિત્તે બહાર જમવા માટે જવાનું કહ્યું હતું. જોકે, તેના મિત્રએ બિમારીનાં પગલે સાથે જવાનો ઇન્કાર કરતાં શખ્સે ઉશ્કેરાઇ જઇ તેના મિત્ર પર હૂમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાનાં પણિયાદર ગામે રહેતાં પરમાર ફળિયામાં રહેતાં જશોદા રમેશ પરમાર તેમજ તેમના પતિ રમેશ છોટુ પરમાર તેમના ઘરમાં હતાં. તે સમયે વાવ ગામે રહેતાં તેના પતિનો મિત્ર સંજય જયદેવ પંડ્યા તેમા ઘરે આવ્યો હતો.
જયારે સંજયે તેમના પતિ રમેશને જણાવ્યું હતું કે, આજે તેનો જન્મ દિવસ છે. જેથી તે રમેશને પોતાની સાથે બહાર જમવા માટે સાથે ચાલ. જોકે, રમેશની તબિયત સારી ન હોવાથી તેણે સાથે આવવાની ના પાડતાં સંજય અચાનક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે રમેશને અપશબ્દો ઉચ્ચારી નજીકમાંથી પથ્થર ઉંચકી રમેશના માથામાં પાછળના ભાગે મારી દઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
જયારે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ બાદ વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઝઘડાને લઇને જે તે સમયે સંજયે તેને સારવારનો ખર્ચ આપવાનું જણાવ્યું હતું. પરંતુ બાદમાં નહીં આપતાં ઇજાગ્રસ્તની પત્ની જશોદાએ આખરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500