ભરૂચ LCB અને અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામમાં આવેલા શેરડીનાં ખેતરમાં સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે રૂપિયા 2.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને ઝડપી બે આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકની ટીમ અંક્લેશ્વરમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન બાતમી મળેલી કે, સેંગપુર ગામની સીમમાં ખાડી વગામાં વિષ્ણુ દામજી વસાવા તથા રાજેશ અર્જુન વસાવાનાઓએ શેરડીનાં ખેતરમાં ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડેલો છે.
જે માહિતીનાં આધારે બંને પોલીસની ટીમે તાત્કાલિક પહોંચી રેઇડ કરી શેરડીનાં ખેતરમાં સંતાડી રાખેલો વિદેશી દારૂની નાની-મોટી કુલ 1336 બોટલો જેની કિંમત રૂપિયા 2,52,400/- અને મોબાઇલ નંગ 1 મળી કુલ રૂપિયા 2,57,400/-નાં મુદ્દામાલ સાથે વિષ્ણુ દામજી વસાવાને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો આપનાર અને દારૂ મંગાવનાર રાજેશ અર્જુન વસાવા (રહે.સેંગપુર, નવી નગરી તા.અંક્લેશ્વર, રાજેશ ચુનીલાલ વસાવા (રહે.ચોર આમલા ગામ, તા.વાલીયા) અને સુનીલ બાબુ ગામીત નાઓને વૉન્ટેડ જાહેર કરી ત્રણેય ઈસમોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500