ભરૂચ શહેરના ભઠિયારવાડ કસાઇવાડમાં એલસીબીની ટીમે રેડ પાડી અલગ અલગ 6 કસાઇઓને ત્યાંથી કુલ 875 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું. જોકે, એક કસાઇને વોન્ટેડ જાહેર કરાયો હતો. બનાવને પગલે એલસીબીએ ભરૂચ-બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના ભઠિયારવાડ અને કસાઇવાડમાં કેટલાંક ખાટકીઓ ગૌહત્યા કરી તેના માંસનું વેચાણ કરે છે. જેના પગલે એલસીબીએ બી ડિવિઝન પોલીસ સાથે અલગ અલગ ટીમો બનાવ ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં ટીમોએ ભઠિયારવાડનાં રજા મસ્જીદ પાસેથી ગુલામ મુર્તુઝા મહંમદ કુરેશી, ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા નુરમહંમદ કુરેશી, અખ્તર ઉર્ફે કાલુ ગુલામ કાદર ઉર્ફે અલ્લારખ્ખા કુરેશી, ઉવેશ ઉસ્માન ગની મહંમદ કુરેશી, અનવરહૂસેન ઇબ્રાહિમ કુરેશી તેમજ ઇમરાન રહેમાન કુરેશી નામના વેપારીઓને ઝડપી પાડ્યાં હતાં.
જ્યારે સિદ્દીક નુરમહંમદ કુરેશી ત્યાંથી નાસી છુટ્યો હતો. જોકે પોલીસ ટીમે તેમની પાસેથી કુલ 875 કિલો ગૌમાંસનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. જેના સેમ્પલ એફએસએલમાં મોકલતાં તેના રિપોર્ટમાં તેમની પાસેથી મળેલું ગૌમાંસ જ હોવાનું ફલિત થતાં ટીમે તેમની દુકાનોને સીલ મારી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500