વાડી નેત્રંગ માર્ગ પર નસારપુર ગામ કાકડવા ફળિયા નજીક બે બાઇક ચાલકો સામસામે અથડાતા માંડવીના રેગામા રગીપુરા ગામના એક 27 વર્ષિય યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં રેગામા ગામના રગીપુરા ફળિયા ખાતે રહેતા ધર્મેશભાઈ રણછોડભાઈ ચૌધરી નેત્રંગ ખાતે રહે છે અને L&T કંપનીમા હિટાચી મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. હાલમાં નેત્રંગ ખાતે પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે, જેથી પોતાનું કામકાજ પતાવી તે રાત્રીનાં સમયે પોતાના ગામ રઘીપુરા જવા માટે બાઈક લઈ નીકળ્યા હતા.
તે સમયે કાકડવા ગામ નજીક મુખ્ય માર્ગ ઉપર પોતાની બાઇક લઈ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બાઈક નંબર GJ/16/CL/6172ના ચાલકે ગફલત ભરી રીતે પોતાની બાઇક હંકારી અકસ્માત કર્યો હતો. ત્યારે બંને બાઈક સવાર રોડ ઉપર પડી ગયા હતા. જેમાં ધર્મેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
જેથી 108ની મદદથી ઈજાગ્રસ્તને ઝાંખાવાવ સામૂહિક કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરોએ ધર્મેશભાઈ મૃત જાહેર કર્યા હતા, જ્યારે બીજા બાઈક ચાલકને ઇજાઓ થતા તેને પણ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતા. બનાવ અંગે ઉમરપાડા પોલીસ મથકમાં સામા વાળા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500