ભરૂચનાં આમોદ તાલુકાનાં કુરચણ ગામે ઉછીનાં લીધેલ રૂપિયાની લેન-દેન મુદ્દે યુવક પર 3 જણાએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, આમોદનાં કુરચણ ગામે આવેલી નવી નગરી ખાતે રહેતાં અરવિંદ વેચાણ વસાવાએ ગામમાં રહેતાં કનુ રણછોડ પટેલ પાસેથી એક મહિના પહેલાં 800 રૂપિયા ઉછીના લીધાં હતાં. જોકે તે દરમિયાન તેઓ ગામમાં રહેતાં જગદીશનાં ઘરે અન્ય મિત્રો સાથે બેઠાં હતાં.
તે સમયે ગામમાં જ રહેતાં કોકીલા મંગળ વસાવા, હિતેન દિનેશ વસાવા તેમજ દિનેશ ડાહ્યા વસાવા તેમની પાસે આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, કનુભાઇ પાસેથી તે 800 રૂપિયા લીધા હતાં તે હવે તારે મને આપવાના છે. જેથી અરવિંદે તેમને જણાવ્યું હતું કે, કનુભાઇએ તેમને કહ્યું છે કે, આ રૂપિયા એમના સિવાય અન્ય કોઇને તારે આપવાના નથી.
તેમ છતાં દિનેશે ઉશ્કેરાઇ જઇ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવા સાથે તેને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. જ્યારે આ મામલો ગરમાતાં દિનેશનું ઉપરાણું લઇ કોકીલા મંગળ વસાવા તેમજ હિતેન દિનેશ વસાવાએ પણ તેમના પર હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી.
તેમજ આપાસનાં લોકોએ તેમને વધુ મારથી બચાવ્યાં હતાં. જોકે, તેઓએ આજે તો તુ બચી ગયો છે ફરી મળીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500