સુરત જિલ્લાનાં સચીન-પાલી બિલ્ડીંગ દુર્ઘટના બાદ ગુજરાત સ્લમ બોર્ડ હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 39 વર્ષ પહેલા બનાવેલ તમામ 171 બિલ્ડીંગ જર્જરિત થતા તેમાં વસવાટ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બોર્ડના અધિકારીઓએ વસવાટ કરનારાઓને સમજાવવાનું શરૂ કર્યું છે. દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. સુરત પાલિકાનાં ઉધના બી ઝોનમાં સચિનનાં સર્વે નં./બ્લોક નં.182, 183, 184માં 1985માં 95000 ચો.મી. જગ્યામાં 215 બિલ્ડીંગ ગુજરાત સ્લમ બોર્ડ હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા.
આ બિલ્ડીંગ હાલ તદ્દન જર્જરિત થયાં છે અને તેમાં વસવાટ કરવું જોખમી છે. તેમ છતાં બોર્ડ દ્વારા અત્યાર સુધી કામગીરી કરવામાં આવતી ન હતી, પરંતુ સચિનનાં પાલી મકાન દુર્ઘટના બાદ સ્લમ બોર્ડ અચાનક જાગ્યું છે. હાલમાં વસવાટ ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી છે. પરંતુ સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે. જ્યારે બીજી તરફ રી-ડેવલપમેન્ટ માટે હજી સુધી કોઈ એજન્સી આગળ આવી નથી.
આ પહેલાં વર્ષ 2018માં જર્જરિત થયેલા 44 બિલ્ડીંગ ઉતારી લેવામાં આવ્યા હતા. હાલ બાકી રહેલા 171 બિલ્ડીંગમાં 2104 ફ્લેટ છે તેમાંથી 907 ફ્લેટમાં લોકો વસવાટ કરે છે. આ ફ્લેટ જર્જરિત હોવાથી તેમાં વસવાટ જોખમી છે. વસવાટ ખાલી કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હોવા છતાં વસવાટ ખાલી કરવામાં આવ્યો નથી. જેને કારણે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નળ જોડાણ કાપવા માટે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી શરૂ થતા લોકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500