બોલિવૂડના કિંગ તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. આ ધમકી આપનાર વ્યક્તિની રાયપુર, છત્તીસગઢમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ મોહમ્મદ ફૈઝાન છે અને તે વકીલ છે. ફૈઝાન પર શાહરૂખ ખાન પાસેથી 50 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર તેને પૂછપરછ માટે મુંબઈ લાવવામાં આવશે. મોહમ્મદ ફૈઝાનને શંકાના કારણે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે ન પહોંચ્યો ત્યારે પોલીસે તેની તેના ઘરેથી ધરપકડ કરી હતી. ફૈઝાને અગાઉ કહ્યું હતું કે મારો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો અને 2 નવેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે ફૈઝાને આ જ મોબાઈલ ફોનથી શાહરૂખ ખાનને ધમકી આપી હતી.
પોલીસે મોહમ્મદ ફૈઝાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 308 (4) (જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણી) અને 351 (3) (4) (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધ્યો હતો. જે ફોન નંબર પરથી ધમકી મળી હતી તે નંબર તેના નામે નોંધાયેલો હતો. ધમકી બાદ મુંબઈ પોલીસે શાહરૂખ ખાનની સુરક્ષા વધારી દીધી હતી. આરોપી ફૈઝાને મીડિયાને જણાવ્યું કે, મારો ફોન 2 નવેમ્બરે ચોરાઈ ગયો હતો અને મેં તેની ફરિયાદ કરી હતી. મેં મુંબઈ પોલીસને આ વિશે જણાવ્યું. પોલીસે બે કલાક મારી પૂછપરછ કરી. ફૈઝાને એમ પણ કહ્યું કે, મેં અંજામ ફિલ્મમાં શાહરૂખના ડાયલોગ્સ વિશે ફરિયાદ કરી હતી. આ ડાયલોગ હરણના શિકાર વિશે હતો.
તેમજ હું રાજસ્થાનનો છું. રાજસ્થાનનો બિશ્નોઈ સમુદાય અમારો મિત્ર છે. તેમના ધર્મમાં કહેવામાં આવ્યું છે કે હરણનું રક્ષણ કરવું જોઈએ. જો કોઈ મુસ્લિમ હરણ વિશે વાંધાજનક વાત કરે તો તે નિંદનીય છે. તેથી જ મેં તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આથી કોઈએ મારા ફોન પરથી જાણી જોઈને ફોન કર્યો હતો. આ મારી વિરુદ્ધ ષડયંત્ર છે.' સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને પણ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી મળી હતી. ગયા અઠવાડિયે રાજસ્થાનના એક 32 વર્ષીય વ્યક્તિની કર્ણાટકમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે તે બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા ચૂકવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500