નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની જમીનની ફળદ્રુપતામાં વધારો થયો હોવાનું સોઇલ ટેસ્ટમાં ફલિત થવા પામ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા પહેલા અને બાદમાં લેવામાં આવેલા માટીના નમૂનાનો સોઇલ હેલ્થ ટેસ્ટ કરવામાં આવતા આ જમીનોમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધ્યું હોવાનું પૂરવાર થયું છે. રાસાણિક ખાતરોના દુષ્પરિણામો પહેલાની જમીન કેવી હતી? તેની સાદી સમજ જોઇએ તો એક સારો વરસાદ પડે એટલે ખેતરમાં રહેલા ઢેફા ઓગળી જતાં હતા. આજે સ્થિતિ એવી છે કે બે ત્રણ સારા વરસાદ પડ્યા બાદ પણ ખેતરમાં કેટલાક ઢેફા ઓગળતા નથી. મતબલ કે માટી એટલી કડક થઇ ગઇ છે. એવું કહેવામાં પણ અતિશિયોક્તિ નથી કે ઢેફાફાડ વરસાદની વ્યાખ્યા હવે બદલવી પડશે.
કેટલાક ખેડૂતો તો એવું કહે છે કે, ભીની માટીમાં ચાલીએ તો પણ ચપ્પલ કે જોડામાં માટી ચોટતી નથી ! રસાણિક ખાતરોનો આ હદ સુધીનો દુષ્પ્રભાવ જમીન ઉપર પડ્યો છે. બીજું ઉહાહરણ જોઇએ. એક સમય એવો હતો કે, હળમાં કોશ નાખી, બળદથી મદદથી જમીન ખેડાતી હતી અને સરળતાથી જમીન ખેડાઇ જતી હતી. હાલમાં જમીન એટલી કઠણ થઇ ગઇ છે કે ૪૫થી ૬૫ હોર્સપાવરના ટ્રેક્ટર બેત્રણ વખત ચલાવવા પડે ત્યારે જમીન ખેડાઇ અને ઢેફાને તોડવા માટે સમાર કરવું પડે છે. જમીનની ફળદ્રુતાનો આધાર તેમાં રહેલા સેન્દ્રીય કાર્બન આધારિત છે. છોડનો પોષણ આપતા કુલ તત્વોમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ બે ટકાથી વધુ હોવું જોઇએ. નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા પૂર્વે જમીનના સોઇલ હેલ્થ ટેસ્ટ કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આત્મા વિભાગ દ્વારા ગરુડેશ્વર, દેડિયાપાડા તાલુકાના આઠ-આઠ, તિલકવાડા તાલુકાના ૧૦, નાંદોદ તાલુકાના ૧૭, સાગબારા તાલુકાના પાંચ કુલ ૪૮ ખેડૂતોની જમીનના સોઇલ હેલ્થ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ પૈકી ૧૬ જેટલા ખેડૂતની જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ દોઢ ટકા આસપાસ જણાયું હતું. તેનો મતલબ કે પ્રાકૃતિક ખેતી કરવાના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ બે ટકાથી વધુ હોય તો તે સારૂ માનવામાં આવે છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની હરિયાણા સ્થિત જમીનમાં આ પ્રમાણ બે ટકા કરતા વધારે છે.
જમીનમાં વવાતા છોડને ઉગી નીકળવા માટે ૨૮ જેટલા પોષક તત્વોની જરૂર પડે છે. જેમાં મુખ્ય નાઇટ્રોઝન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય છે. એ બાદ કેલ્શીયમ, મેગ્નેશિયમ, સલ્ફર, બોરોન અને જિન્ક જેવા ગૌણ તત્વોની પણ જરૂરત રહે છે. નર્મદા જિલ્લામાં મુખ્યત્વે ગોરાડું, કાળી અને મધ્યમ કાળી પ્રકારની જમીન છે. જમીનમાં યુરિયા નાખવાથી નાઇટ્રોસોમોનાસ નામના બેક્ટરિયા નાઇટ્રીફિકેશન કરી છોડને નાઇટ્રોઝન પૂરૂ પાડે છે. જમીનમાં ફોસ્ફરસ ઉંડે હોય છે. હવે ફરીથી આ ખાતર નાખવામાં આવે છે. કંદમૂળ સિવાયના પાકો માટે સામાન્ય રીતે પોટાશની જરૂર નથી રહેતી.
આપણી જમીનમાં કુદરતી રીતે ઉપલબ્ધ હોય છે. છતાં પણ નાખવામાં આવે છે. જમીનમાં અમ્લતાનું સામાન્ય પ્રમાણ સાત ટકા જેટલું હોવું જોઇએ. જેની સામે નર્મદા જિલ્લામાં આ પ્રમાણ ઉક્ત ખેડૂતોની જમીનમાં આ પ્રમાણ સાત ટકા કરતા વધું છે. અમ્લતાને કારણે માટી કડક થતી જાય છે. ખેડૂતો પોતાની જમીનને પુત્રવત્ત પ્રેમ કરતા હોય છે. કોણ પિતા તેમના પુત્રને દવા પાઇને મોત આપી શકે ? રસાયણિક ખાતરનું દુરપયોગ કરી પુત્ર જેવી જમીનને મૃતપ્રાયઃ કોણ ખેડૂત કરી શકે ? એટલે જ હવે પ્રાકૃતિક ખેતી જ ઉપચાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500