Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીનાં વાંસદા તાલુકાનાં પીપલખેડનાં ઉદ્યમી ખેડૂતએ કૃષિ ઉધોગમાં મેળવી સફળતા

  • February 14, 2023 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "આત્મનિર્ભર ખેડૂત"ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત ભારતનું નેતૃત્વ લેવા કૃતનિશ્ચિય છે. રાજ્યના ધરતીપુત્રો આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય  સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત  કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ  આવી રહ્યો છે. આધુનિક ટેક્નોલોજી અપનાવીને ગુજરાતના ખેડૂતો પોતાની આવક બમણી કરી રહયા છે.






નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામના આદિજાતિ ઉદ્યમી ખેડૂત પ્રવિણભાઇ પઢેર ખેતીમાં સરકારશ્રીના બાગાયત ખેતીમાંથી મળતી સહાયનો ઉપયોગ કરી  ગ્રીન હાઉસ અને ટપક સિંચાઈ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આંબા ઉપરાંત અન્ય ફૂલછોડની કલમો ઉછેરી વાર્ષિક રૂા.૧૫ લાખ જેટલી આવક મેળવે છે. પ્રવિણભાઇ પઢેરે મુલાકાતમાં જણાવ્યું કે, નવસારી બાગાયત કચેરી દ્વારા આંબાકલમ બનાવવા માટે માર્ગદર્શન મળતા મે આંબાની નુતન કલમ બનાવવાનુ ચાલુ કર્યુ.






જે તે સમયે શરૂઆતના વર્ષોમાં હું ૧૦૦૦થી ૧૫૦૦ કલમો જુન-જુલાઇમાં બાંધતો હતો અને એક વર્ષ બાદ ત્રણ ફૂટની કલમ તૈયાર થતા તેનુ પ્રતિ કલમદીઠ રૂ.૨૫ થી ૩૦માં વેચાણ કરતો હતો. શરૂઆતમાં મને ખર્ચ બાદ કરતા વર્ષે રૂ.૨૦,૦૦૦/- થી રૂ. ૨૫,૦૦૦/- નફો મળતો હતો. ધીમે ધીમે મારી આવડત અને રોકાણ કરવાની ક્ષમતા વધતા મારે આંબાકલમ બનાવવાનુ કામ વધતુ ગયુ. હાલ હું વર્ષે ૫૦ હજાર કલમ જાતે બનાવુ છુ. મારો ખર્ચ બાદ કરતા આશરે રૂા.૧૫-૦૦ લાખની વાર્ષિક આવક મેળવુ છું.






પ્રવિણભાઇએ પ્લગ નર્સરી સહાય બાબતે જણાવ્યું કે 'કલમોના સારા વિકાસ માટે નેટહાઉસ કે ગ્રીનહાઉસની જરૂરિયાત રહે  છે. નવસારી બાગાયત ખાતાની  કચેરીએ મને ૫૦૦ ચો.મી.ની પ્લગ નર્સરીમાં ૯૦ ટકા સહાયના ધોરણે રૂા. ૩-૦૦ લાખ ના ખર્ચની સામે રૂ.૨.૭૦ લાખની સહાય મને બાંધકામ પૂર્ણ થયા બાદ બાગાયત અધિકારીશ્રીઓની સંયુક્ત ટીમે ચકાસણી કરીને મારા બેંક ખાતામાં સાત દિવસમાં સહાયની રકમ જમા કરાવી આપી હતી.






આજ્થી ૧૫ વર્ષ પહેલા મારી પાસે ટુ વ્હીલર ગાડી પણ ન હતી આજે આંબા કલમો બનાવવાનુ ચાલુ કર્યા બાદ કલમોની હેરફેર માટે મારી પાસે પોતાનો આઇશર ટેમ્પો છે. તેમજ કલમના વ્યવસાયમાંથી ગામ નજીક ચાર એકર પોતાની જમીન પણ ખરીદી છે. આંબા અને ફૂલછોડની વિવિધ કલમોના વેચાણ થકી મળતી આવકથી આજે મારો પરિવાર પગભર બન્યો છે. પ્રવિણભાઇ પઢેરે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્ય તથા ગુજરાતના, નર્મદા કેવડીયા, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ફૂલ છોડ અને આંબાકલમોનું વેચાણ કરી એક ઉધમી આદિજાતી ખેડૂત તરીકેની સફળ ઓળખ કૃષિક્ષેત્રેમાં પ્રસ્થાપિત કરી છે.






નવસારી બાગાયત વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના લાભો આજે નવસારીના ઉદ્યમી ખેડૂતો મેળવી રહ્યા છે અને આ સહાય યોજનાઓને કારણે નવસારી જિલ્લામાં ફળઝાડ વાવેતર શાકભાજીની ખેતી, આંબાકલમની નર્સરી બનાવવાનુ પ્રમાણ ખૂબ જ વધ્યુ છે અને ખેડૂતોની આવકમાં પણ ઘણો વધારો થયો છે.





રાજ્ય સરકારના બાગાયતી ખેતીના વિકાસ માટે લીધેલા ક્રાંતિકારી પગલાના પરિણામે પ્રતિ  હેકટરે વધુ ઉત્પાદન મળતું હોઈ ખેડૂતોનો ઝોક બાગાયતી ખેતી તરફ વધી રહ્યો છે. બાગાયતી ખેતી એ ફક્ત આજીવિકાનું સાધન નહીં પણ એક ઉધોગ તરીકે અપનાવવામાં આવી રહ્યો છે. જે આત્મનિર્ભર ખેડૂતની નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application