રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશમાં વ્યાજખોર અને પીડિત બંને સરકારી બાબુઓ જ હોવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ કોર્ટનો ડ્રાઈવર પંચાયતનાં જુનિયર ક્લાર્ક સહિત 10 લોકો પાસેથી ઊંચું વ્યાજ વસૂલી ધમકી આપતો હોવાની FIR સાથે S.O.G.એ કોર્ટના ડ્રાઈવરની ધરપકડ કરી છે. ભરૂચ એસ.પી. દ્વારા વ્યાજખોરો સામે એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ સ્થળે લોકદરબાર યોજી લોકોને માહિતગાર પણ કરાઈ રહ્યા છે. વ્યાજખોરો સામે પોલીસ એજન્સીએ એસ.પી.નાં માર્ગદર્શન હેઠળ સખતમાં સખત કાર્યવાહી કરવા ફરિયાદ મેળવવાનું શરૂ કર્યું છે.
ભરૂચ S.O.G.ને વ્યાજખોરી હેઠળ એક અરજીની તપાસ મળી હતી અને પી.આઈ, પી.એસ.આઈ. સહિતની ટીમ દ્વારા અરજીની તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભરૂચ કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો સુરેશ અંબાલાલ પટેલ પોતે સરકારી કર્મચારી હોવા છતાં અને વ્યાજે નાણા ધીરધાર કરવા અંગેનો પરવાનો ધરાવતો ન હતો. તેમછતાં ગેરકાયદે વ્યાજનો વેપલો કરતો હતો. ફરિયાદી ઝઘડિયા તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્ક કમલેશ રણછોડભાઇ પરમાર પાસે ઊંચા દરે વ્યાજ વસુલાતું હતું.
ભરૂચ કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા સુરેશ પટેલે બીજા અન્ય 9 લોકોને પણ 10 ટકાના વ્યાજદરે ગેરકાયદેસર ધિરાણ કરી તેની અવેજમાં સિક્યુરિટી પેટે ફરિયાદી તથા સાહેદોના સહીવાળા કોરા ચેકો મેળવી લીધા હતા. વ્યાજ સહિતનાં નાણાં વસુલ કર્યા બાદ સિક્યુરિટી પેટે મેળવેલ ચેકોમાં અલગ અલગ રકમો ભરી જે તે બેન્કમાં નાખી ચેક બાઉન્સ કરાવી ભરૂચ કોર્ટમાં આશરે 20થી પણ વધુ ભોગ બનનાર વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા. સરકાર દ્વારા નક્કી કરેલ નિયમ વિરુદ્ધ વધુ વ્યાજ સાથે નાણાંની વસુલી કરી વધુ નાણા મેળવવા ગુનાહિત ધાકધમકી આપી બળજબરીપૂર્વક કઢાવી લેવાનો ગુનો કરતા ભરૂચ SOG દ્વારા શહેરએ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે અને આરોપી સુરેશભાઇ પાસેથી હિસાબની એક ડાયરી પણ કબ્જે કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500