દમણથી ટ્રકમાં છારૂ અને ઈંટનાં ટુકડાની આડમાં કોસ્ટલ હાઇવે થઈને વલસાડ થઈ તાપી લઈ જવાતો 5,640 બોટલ વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવના કુલ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રિતેશ ચીમનભાઈને મળેલ બાતમીનાં આધારે દમણથી એક ટ્રક નંબર GJ/02/Y/4788માં વિદેશી દારૂનો જથ્થો ભરી, પોલીસની નજર ચૂકવવા દારૂના જથ્થા ઉપર છારુ અને ઈંટનાં ટુકડા નાખી, વિદેશી દારૂના જથ્થો દમણથી ભરી, કોસ્ટલ હાઇવે થઈ, તાપી તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે રૂલર પોલીસની ટીમે મગોદ કોસ્ટલ હાઇવે ઉપર બાતમી વાળા ટ્રકની વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટ્રક આવતા, ટ્રકને અટકાવી ચેક કરતા, ટ્રકના ફાલ્કાનાં ભાગે તેમજ આજુબાજુમાં છારૂ અને ઈંટનાં ટુકડા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું હતું.
પોલીસે છારૂ અને ઈંટનાં ટુકડા હટાવી ચેક કરતા, વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રૂલર પોલીસની ટીમને મળી આવ્યો હતો. તેમજ 5640 બોટલ વિદેશી દારૂનાં જથ્થા સાથે ટ્રક ચાલક રાકેશભાઈ વાલાભાઈ મીનામાની અટકાયત કરી કુલ રૂપિયા 9.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 19.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી, કેસમાં સંડોવાયેલા, દારૂનો જથ્થો ભરાવી આપનાર દમણના મહેન્દ્ર સિંગ અને દારૂનો જથ્થો મંગાવનાર તાપીનાં ધર્મેશભાઈ ઇશ્વરભાઇ પટેલને રૂરલ પોલીસે વોન્ટેડ જાહેર કરી, વલસાડ રૂલર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500