પાટણના શંખેશ્વર નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. એ બાદ બન્ને વાહનમાં અચાનક આગ લાગી હતી, જેથી બે લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલાં વાહનો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બંને ગાડીમાં આગ ભભૂકી ઊઠી હતી. વેગનઆરમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગઈ હતી, જેથી તેઓ 70 ટકાથી વધુ દાઝી ગઈ હતી. એને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ બનાવના પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી છે.
આ ગમખ્વાર અકસ્માતની મળતી હકીકત મુજબ, શુક્રવારની વહેલી સવારે શંખેશ્વર-પંચાસર- દસાડા માર્ગ પરથી પસાર થતી વેગનઆર ગાડી અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એ બાદ બન્ને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. એને કારણે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોમાં અફરાતફરી મચી હતી. આ ઘટનામાં ગાડીમાં સવાર બે લોકો આગની ઝપેટમાં આવતાં બળીને રાખ થયા હતા. લોકોના ટોળાએ ગાડીમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
શંખેશ્વરના PSI વસાવાએ જણાવ્યું હતું કે સવારે 7:00થી 7:30 વાગ્યાની આસપાસ પિકઅપ વાન અને વેગનઆર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એમાં બંને ગાડીમાં આગ લાગતાં વેગનઆરમાં સવાર બે લોકો અંદર ફસાઈ જવાથી 70% દાઝી જવાથી તેમનાં મોત થયાં છે. બીજી તરફ, સામે પિકઅપ વાનમાં ફક્ત ડ્રાઈવર જ હતો, જે બહાર નીકળી ગયો હતો, જેથી અન્ય કોઈનું મોત થયું નથી. હાલમાં બન્ને મુતકની ઓળખ કરવાની પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ પિકઅપ વાનના ચાલકની પણ શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500