કોલેજિયમની ભલામણોને સ્વીકારીને કેન્દ્ર સરકારે ચાર હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશોની નિમણુંકને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. નવા મુખ્ય ન્યાયાધીશો વિશે માહિતી આપતા તેમણે લખ્યું કે, આ ન્યાયાધીશોને ભારતના બંધારણ હેઠળ સંબંધિત જોગવાઈઓ અનુસાર વિવિધ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરવામાં આવે છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું!
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગિરધર ગોકાણીને ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટનાં જસ્ટિસ સંદીપ મિશ્રાને ગુવાહાટી હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓડિસા હાઈકોર્ટનાં જસ્ટિસ જસવંત સિંહને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસ એન કોટીશ્વર સિંહને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ નામો પર મહોર લગાવી દીધી છે. આ અગાઉ 10 ફેબ્રુઆરીએ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા રાજેશ બિંદલ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કોલેજિયમ દ્વારા બંને નામોની ભલામણ કરવામાં આવી હતી જેના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહોર લગાવી દીધી છે. ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમની પ્રક્રિયા પર સરકાર દ્વારા ઘણી વખત સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે, આ માટે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર તૈયાર થવો જોઈએ જેનો ઉલ્લેખ સર્વોચ્ચ અદાલતે જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશનને નકારતી વખતે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500