સુરત જિલ્લાનાં કામરેજ હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ડ્રાઇવરો સાથે મળી ડીઝલ ચોરી કરી છૂટક વેચાણ કરતા સુરતનાં મોટા વરાછાના એક વિક્રેતાની પોલીસે અટક કરી ૫૩ હજાર કિંમતનું ડીઝલ કબ્જે કરતા ચકચાર મચી ગઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ પોલીસની હદમાં આવેલ લાડવી ગામની સીમમાં વલથાણ કેનાલ રોડ પર આવેલ ભોલે પાન સેન્ટરની પાછળનાં ભાગે ચોરીનું ડીઝલ સંગ્રહ કરી જેનું છૂટક વેચાણ કરતા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીવાળા સ્થળ પર જઈ છાપો મારી ગેરકાયદેસર મૂકેલ ડીઝલના જથ્થા સાથે એક ઇસમની અટક કરી હતી. આમ, પોલીસે બનાવના સ્થળેથી ૫૩, ૬૮૦ કિંમતનું ૫૯૫ લિટર ડીઝલ, ૫૦૦ કિંમતનો ડીઝલ કાઢવાનો પંપ મળી કુલ રૂપિયા ૫૪,૧૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે ગુનો નોંધી ભરત ગોરધનભાઈ લુણાધરીયા (રહે.મોટા વરાછા, સુરત)ની અટક કરી ક્રેનોમાંથી ડીઝલ ચોરી કરી ભરતને ડીઝલ આપતા ચાલકો પૈકી સચીન, રાજેશ યાદવ અને અજાણ્યા બે ક્રેન ચાલકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી જેમને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500