મધ્યપ્રદેશના છતરપુરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં કુવામાં પડેલા હથોડાને બહાર કાઢવાના પ્રયાસમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના છત્તરપુર જિલ્લાના ગઢીમલહરા પોલીસ સ્ટેશન વિસ્તારના કુર્રાહા ગામમાં બની હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગતરોજ કુર્રાહા ગામના ગુરાર વિસ્તારના એક ઘરમાં બનેલા સાંકડા કુવામાં હથોડો પડી ગયો હતો. ઘરનો માલિક તેને બહાર કાઢવા માટે કુવામાં ઉતરી ગયો હતો.
પરંતુ ઘણાં સમય બાદ પણ બહાર આવ્યો ન હતો. આ પછી પરિવારનો બીજો સભ્ય પણ કુવામાં નીચે ઉતર્યો હતો. નીચે ગયા પછી તે પણ ચૂપ થઈ ગયો હતો. લાંબા સમય સુધી નીચે કઈ પણ ચહલપહલ ન થતાં વિસ્તારના વધુ બે લોકો કૂવામાં ઉતરી ગયા હતા. કુવાની બહાર ઉભેલા લોકોએ અંદર ઉતરેલા વ્યક્તિઓને બુમો પાડી પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં જેથી લોકોમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાની જાણકારી ગઢીમલહરા પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ચાર લોકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સની મદદથી બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તમામના મોત થયા હતા. મૃતકોની ઓળખ મુન્ના કુશવાહા, શેખ અલ્તાફ, શેખ અસલમ, શેખ બશીર તરીકે થઈ છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કૂવો લગભગ 10 વર્ષથી બંધ હતો અને કૂવામાં ઝેરી ગેસ લીક થઈ રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500