ઉત્તરપ્રદેશના અલીગઢમાં વાંદરાઓ 35 લાખ રૂપિયાથી વધુ કિંમતની ખાંડ ખાઈ ગયા હોવાનો આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં કેટલાક વર્ષો પહેલા અલીગઢની સાથા મિલમાં 35 લાખ રૂપિયાની ખાંડ મૂકવામાં આવી હતી. પણ થોડા સમય પહેલા મિલનું ઓડિટ થયું તો 1137 ક્વિન્ટલ ખાંડ ગાયબ હતી. આ ખાંડની બજારકિંમત રૂપિયા 35 લાખથી વધારે હતી. હવે જ્યારે અધિકારીઓ પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો તો તેમનો જવાબ આવ્યો કે આ ખાંડ વાંદરા ખાઈ ગયા. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી હવે એફઆઇઆર નોંધવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સાથા ખાંડની મિલ 2021થી બંધ છે. તેમા ખાંડનો વધેલો સ્ટોક રાખવામાં આવ્યો હતો. આને લઈને એક દિવસ ડિસ્ટ્રિક્ટ ઓડિટ ઓફિસર, પંચાયત ઓડિટ કમિટી અને સહકારી સમિતિઓની ટીમ જ્યારે ઓડિટ કરવા પહોંચી ત્યારે તેમને ખબર પડી કે અહીં રાખવામાં આવેલી ખાંડમાંથી 1137 ક્વિન્ટલ ખાંડનો કોઈ અતોપતો નથી. હવે જ્યારે ઓક્ટોબર 2023માં ઓડિટ કરવામાં આવ્યું અહીં રાખવામાં આવેલી ખાંડનો હિસાબ એકદમ બરોબર મળ્યો હતો.
હવે સવાલ એ છે કે થોડા મહિનાના જ સમયગાળામાં 1137 ક્વિન્ટલ ખાંડ ગઈ ક્યાં. આ અંગે સંલગ્ન અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી તો તે કોઈ જવાબ આપી ન શક્યા. હવે તેની તપાસ ચાલી રહી છે. ખાંડના ગુમ થવા અંગે અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ત્યાં વાંદરાઓ આવતા હોવાથી હોઈ શકે કે વાંદરાઓ ખાઈ ગયા હોય. આ સિવાય એક કારણ વરસાદનું પણ ગણાવાયું છે. પણ સવાલ એ છે કે જો વરસાદના કારણે ખાંડ ખતમ થઈ ગઈ હોય તો ફક્ત 1137 ક્વિન્ટલ જ કેમ થઈ. બાકીની કેમ નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500