રાજકોટના પડધરીમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. રાજકોટના ભગવતીપરામાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ આજે પડધરીના મોટા રામપર ગામ નજીક સામૂહિક આપઘાત કર્યો છે. પરિવારના ત્રણ સભ્ય માતા-પિતા અને પુત્રએ રિક્ષામાં બેસીને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં પડધરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન તપાસ કરતા તેમની પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં આર્થિક તંગી અને બીમારીના કારણે પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.
પડધરી નજીકના મોટા રામપરા ગામે સરકારી જમીનમાં GJ/03/BX/285 નંબરની CNG રિક્ષામાં એક મહિલા અને બે પુરૂષ બેભાન હાલતમાં હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને 108ને જાણ કરી હતી. આ દરમિયાન 108ના સ્ટાફે ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતકોના મોબાઈલ અને રિક્ષા નંબરના આધારે ઓળખ કરી હતી. તો રિક્ષા જસદણ તાલુકાના ટેટૂંકી ગામના સુરેશભાઈ સાકરીયા નામના યુવાનની હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં કાદરભાઈ મુકાસમ (ઉ.વ.62), ફરીદા મુકાસમ અને આસીફ મુકાસમ નાઓને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પોલીસે મૃતકના મોબાઈલ નંબરના આધારે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારે આર્થિક તંગી અને બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500