જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા એકતાનગર ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ સમગ્ર દેશ અને રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ અને તેમની ટીમે કુપોષણ મુક્ત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી સુનિશ્ચિત કરીને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજી રહ્યાં છે.
સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા થઈ રહેલી પોષણ માહની ઉજવણીના ભાગરૂપે એકતાનગરથી વિવિધ વિભાગો જેમ કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ખેતીવાડી વિભાગ દ્વારા “પોષણ ભી પઢાઇ ભી”, “બેટી બચાવો બેટી પઢાઓ”, જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, એનિમિયા નિવારણ, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી, સહી પોષણ દેશ રોશન, જેવી થીમ આધારિત બેનર, લિફલેટ, હેન્ડ આઉટ વગેરે દ્વારા પોષણ માહ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આંગણવાડી કાર્યકર-આશા બહેનો અને શાળાની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોષણ માસની ઉજવણીનો મુખ્ય આશય મહિલાઓને સશક્ત બનાવવાનો અને બાળકોના સર્વાંગી વિકાસનો છે. જે માટે પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં પોષણક્ષમ આહાર અંગે વધુને વધુ જનજાગૃતિ કેળવવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે બાળકોના સર્વાંગી વિકાસને વધુ મજબુત કરવા પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500