ગાંધીનગરના ચિલોડા નરોડા હાઇવે ઉપર વલાદ બ્રિજ પાસે મોપેડ ઉપર પસાર થઈ રહેલા ફ્રુટના વેપારી સાથે તકરાર કરીને છરીની અણીએ મોપેડ, રોકડ અને મોબાઈલ લૂંટી લેવાયા હતા. ઘટના અંગે ડભોડા પોલીસ અજાણ્યા લૂંટારો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદના કુબેરનગરમાં રહેતા રમેશભાઈ હરૂમલ મનવાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ આલમપુર શાક માર્કેટમાં ફ્ટની દુકાન ચલાવે છે. તેઓ સોમવારે સવારે દુકાન પહોંચી ગયા હતા અને બપોરે પોણા બેના અરસામાં દુકાનથી ઘરે જવા નીકળ્યા હતા. બે વાગ્યાના અરસામાં વલાદ બ્રિજના છેડે આવતાં પાછળથી સફેદ રંગના મોપેડ પર ત્રણ ઈસમો ધસી આવ્યા હતા અને એક્સેસ ઊભું રખાવ્યુ હતું.
ત્યારબાદ અમને ગાળો કેમ બોલે છે, કહીને ઝઘડો શરૃ કર્યો હતો. આ વખતે મોટરસાઈકલ પર ત્રણ માણસો આવીને બાજુમાં ઊભા રહી ગયા હતા. તેમાંથી એક માણસે મોપેડની ચાવી ખેંચી લીધી હતી. ચાવી પાછી લેવા છતાં બે માણસોએ છરી બતાવી હતી અને એક શખ્સ મોપેડ લઈને ચિલોડા તરફ જતો રહ્યો હતો. તેની પાછળ અન્ય લૂંટારૂઓ બાઈક અને મોપેડ પર જતા રહ્યા હતા. વેપારીએ બૂમાબૂમ કરી હતી, પરંતુ રસ્તો સૂમસામ હોવાથી મદદ મળી ન હતી. જેનાં પગલે ભાગીદારને આ મામલે જાણ કરતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે ટીસી નંબર ધરાવતું 1.10 લાખનું મોપેડ, ડેકીમાં મૂકેલા રૂપિયા 12 હજાર રોકડા અને મોપેડમાં મૂકેલા રૂપિયા 25 હજારના મોબાઈલની લૂંટ મામલે ગુનો દાખલ કરીને લૂંટારાઓની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500