સામાન્ય રીતે તાવમાં ઉપયોગમાં લેવાતી પેરાસિટામોલ ટેબલેટ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. આ ઉપરાંત કેલ્શિયમ અને વિટામીન ડી-૩ની સપ્લિમેન્ટ, ડાયાબિટિસ તથા હાઇબ્લડ પ્રેશરની દવાઓ સહિત ૫૦થી વધુ દવાઓ ડ્રગ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવેલા ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. ગુણવત્તા પરીક્ષણમાં ફેઇલ થયેલી દવાઓની યાદી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)એ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરી છે. ભારતની ડ્રગ્સ રેગ્યુલેટર સીડીએસસીઓ દર મહિને દવાઓની તપાસ માટે કેટલીક દવાઓની પસંદગી કરે છે.
આ વખતે વિટામીન સી અને ડી-૩ ટેબલેટ શેલ્કલ, વિટામિન બી કોમ્પલેક્સ અને વીટામીન સી સોફટજેલ્સ, એન્ટિએસિડ પેન-ડી, પેરાસિટામોલ ટેબલેટ આઇપી ૫૦૦ એમજી, એન્ટિ ડાયાબિટિક ડ્રગ ગ્લિમેપિરાઇડ, હાઇ બ્લડ પ્રેશરની દવા ટેલ્મિસર્ટન જેવી દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આ દવાઓ નિષ્ફળ નિવડી છે. આ દવાઓ હેટેરો ડ્રગ્સ, એલકેમ લેબોરેટરી, હિંદુસ્તાન એન્ટિબાયોટિકસ લિમિટેડ (એચએએલ), કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ, મેગ લાઇફસાયન્સીઝ, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર જેવી અગ્રણી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી હતી.
પેટના ઇન્ફેકશન માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી દવા મેટ્રોનિડાઝોલ પણ પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. આ દવાનું નિર્માણ પીએસયુ હિંદુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ટોરેન્ટ ફાર્મા દ્વારા વિતરિત અને ઉત્તરાખંડ સ્થિત પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા નિર્મિત વિટામિન સી અને ડી-૩ ટેબલેટ શેલ્કલ પણ પરીક્ષણમાં નિષ્ફળ નિવડી છે. કોલકાતાની ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક્સ ક્લેવમ ૬૨૫ અને પેન ડીને નકલી ગણાવી છે. આ જ પ્રયોગશાળાએ હૈદરાબાદ સ્થિત હેટેરો કંપનીની સેપેોડેમ એક્સી ૫૦ ડ્રાય સસ્પેન્શનની ગુણવત્તાને હલકી ગણાવી છે. આ દવા બેક્ટેરિયલ ઇન્ફેકશનમાં બાળકોને આપવામાં આવે છે. કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્મા લિ.ની પેરાસિટામોલ ગોળીઓને પણ ખરાબ ગુણવત્તાવાળી ગણાવવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500