ભાવનગરના ઘોઘા તાલુકાના પીપરાલા ગામે આજુબાજુની વાડીમાં રહેતા બે કુટુંબી પરિવાર વચ્ચે વાડીમાં બકરા ચરાવી નુકસાન કરવા બાબતે અને નીલગીરીનું ઝાડ કાપી નાખવા અંગે ચાલતા ઝઘડાને લઈને પિતા-પુત્રએ તલવારના આડેધડ ઘા ઝીંકી દઈ આધેડની કરપીણ હત્યા કર્યાનું ખૂલ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઘોઘા તાલુકાના પીપરલા ગામમાં આવેલ ટાણા રોડ, વાડી વિસ્તારમાં રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા (ઉ.વ.૫૫)ના કુટુંબી નાનુ બચુભાઈ બારૈયા અને તેનો દીકરો મેહુલ નાનુભાઈ બારૈયા તેમની જમીનમાં બકરા ચરાવતા હોય તેમજ અગાઉ નીલગીરીનું ઝાડ કાપી નાખેલ હોય તે બાબતે ઠપકો આપ્યો હતો.
આમ છતાં, બંને પિતા-પુત્રો અવારનવાર ગાળો બોલતા હોય બંને પરિવાર વચ્ચે મન દુઃખ ચાલ્યું આવતું હતું. દરમિયાનમાં વેલજીભાઈ વશરામભાઇ બારૈયા (ઉ.વ.૫૫) તા.૨૮ને રવિવારે સાંજના સાતેક વાગ્યાની આસપાસના સમયે માલઢોરનું દૂધ લઇને ગામની ડેરીએ દૂધ ભરવા માટે બાઈક લઇને ગયા હતા. થોડીવાર પછી તેમના પુત્ર રાહુલભાઇ વેલજીભાઈ બારૈયા મોટર સાયકલ લઇને ગામમાં પાન-માવો ખાવા જવા માટે નિકળ્યા હતા. તે વખતે આશરે સાંજના સવા સાતેક વાગ્યાના અરસામાં ગામની નવી નિશાળ પાસે પહોંચતા બાજુની વાડીવાળા નાનુ બચુભાઇ બારૈયા તથા તેનો દિકરો મેહુલ નાનુભાઈ બારૈયા બન્ને શખ્સ તેના પિતા વેલજીભાઈ સાથે ગાળાગાળી કરતા હતા અને મેહુલના હાથમાં તલવાર હતી.
જેના વડે તેણે વેલજીભાઈને માથામાં એક-બે ઘા મારી દીધા હતા. તે વખતે નાનુભાઈએ વેલજીભાઇને પાછળથી પકડી રાખેલ અને એમ કહેતા હતા કે, 'માર માર હું બેઠો છું, આને આજે પુરો કરી દે' અને તે વખતે ફરીથી મેહુલે બે-ત્રણ તલવારના ઘા માથામાં મારતા વેલજીભાઈને માથામાંથી ખૂબ જ લોહી નિકળવા લાગેલ અને વેલજીભાઈ પડી ગયા હતા. તે વખતે પુત્ર રાહુલભાઈ દેકારો કરી પિતા વેલજીભાઈને બચાવવા દોડયા હતા ત્યારે મેહુલે નીચે પડેલા પિતા વેલજીભાઈને આડેધડ તલવારના ઘા માથામાં મારી માથુ છુંદી નાખી બન્ને બાપ-દિકરો જોર-જોરથી ગાળો બોલતા હતા.
આ વખતે તેના કાકા અરવિંદભાઈ પણ આવી ગયા હતા. જેથી આ બન્ને પિતા-પુત્ર ત્યાંથી વાડીઓમાં ભાગી ગયા હતા. વેલજીભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા હતા. તેમને ગામના ધીરૂભાઇ બારૈયાની પીકઅપ બોલેરોમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વેલજીભાઇને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલભાઇ બારૈયાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં મેહુલ નાનુભાઈ બારૈયા અને નાનુ બચુભાઈ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બીએસએનની કલમ ૧૦૩(૧), ૫૪ જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ બન્ને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500